ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારવા જેવો ઘાટ : ચૂંટણીઓ યોજાઈ, બધું જ ખુલ્લું મૂક્યું અને હવે એકાએક લોકડાઉનનો આદેશ

349

કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિમાં પણ ગુજરાતમાં પેટાચૂંટણીઓ યોજાઈ હતી. સરકારે વિકટ પરિસ્થિતિમાં પણ બધું જ ખુલ્લું મૂક્યું અને હવે એકાએક અમદાવાદમાં લોકડાઉનનો આદેશ આપ્યો છે.જેથી હવે ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે.સરકારે ફરી એકવાર લોકોને અસમંજસમાં મૂકી દીધા છે. તહેવારો પર બજારોમાં અને ચૂંટણી સમયે સભાઓમાં માસ્ક,સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.નિયમો બનાવ્યા,પણ ખુદ સરકારે જ તેની અમલવરીમાં ઉદાસીનતા બતાવી છે,હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે,કોરોનાના વધતા કેસો માટે જવાબદાર કોણ?

ગત રાત્રે એક પછી એક સરકારના ચોંકાવનારા નિર્ણયો સામે આવ્યા જે મુજબ અમદાવાદમાં આજ રાત્રિથી 57 કલાકનું કર્ફ્યૂ લગાવવામાં આવ્યું અને અને સાંજે જે નિર્ણય પર સરકાર અડગ દેખાતી હતી તે નિર્ણય રાત્રે જ બદલી નાખ્યો અને સ્કૂલો હવે 23 નવેમ્બરથી નહીં ખુલે તેવી જાહેરાત કરી દીધી હતી.અમદાવાદમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.અહીં કોરોનાએ ફરી માથું ઊંચકતા સરકારે 57 કલાકનું મીની લોકડાઉન જાહેર કર્યું છે.જે મુજબ હવે આજે શુક્રવારથી રાત્રીના 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી શહેરમાં સંપૂર્ણ કર્ફ્યૂ રહેશે. જ્યારે દૂધ અને દવાની દુકાનો ખુલી રાખી શકાશે.આ લોકડાઉન અમદાવાદ પૂરતું જ અમલી રહેશે.મુખ્ય અધિક સચિવ ડો.રાજીવ ગુપ્તાએ આ અંગે પરિપત્ર જાહેર કર્યો હતો અને ટ્વીટ કરીને પણ માહિતી આપી હતી.

મીની લોકડાઉનની જાહેરાત મુજબ શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યૂ લાગુ થશે.જે શનિવાર અને રવીવારે દિવસ અને રાત્રી દરમિયાન પણ અમલી રહેશે. અને સોમવારે સવારે 6 વાગ્યાથી દુકાનો ખોલી શકાશે.કર્ફ્યૂ દરમિયાન અતિ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તાએ ગુરૂવાર સાંજે 5.30 વાગ્યે રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી અને રાત્રે 10 વાગ્યે અચાનક જ 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરી નાખી હતી.આ પહેલા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 23 નવેમ્બરથી સ્કૂલ-કોલેજ ખોલવાના નિર્ણયને લઇને પત્રકાર પરિષદ સંબોધતા હતા.આ દરમિયાન તેમણે કોઇનો ફોન આવતા તેઓ તુરંત જ પત્રકાર પરિષદને અધવચ્ચે મુકીને ચાલતા થયા હતા.જોકે,મોડી રાત્રે ફરી નિર્ણય લેવામાં આવ્યો કે સ્કૂલ-કોલેજોને ખોલવામાં નહી આવે.સરકારના આ પ્રકારના વલણથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

રાજ્યમાં 8 દિવસમાં જ 8 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે,અને 45 લોકોના મોત થયા છે.શિયાળો આગળ વધી રહ્યો છે.ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે.આવી સ્થિતિમાં અમદાવાદમાં અચાનક લાદવામાં આવેલી તાળાબંધીનો નિર્ણય લંબાવવામાં આવે તેવી શકયતા છે.રાજ્યના અન્ય શહેરોમાં જ્યાં કેસો વધી રહ્યા છે ત્યાં પણ કર્ફ્યૂ લાદવાની વિચારણા ચાલી રહી છે.આ સ્થિતિમાં લોકોએ હવે પોતાની રીતે જ જાગૃત થઈ સાવચેત બની,માસ્ક,સોશ્યલ ડિસ્ટન્સ અને કોરોન ગાઈડલાઈનના અન્ય નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની જરૂર છે.

કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાત લેશે

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા સ્થિતિ વિકટ બની છે. જેની કેન્દ્ર સરકારે પણ નોંધ લીધી છેજેથી કેન્દ્રના ત્રણ અધિકરીઓની ટીમ ગુજરાતની મુલાકાતે આવનાર છે તેવી જાણકારી મળી રહી છે.દિવાળી પહેલાં રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો.પરંતુ દિવાળી દરમિયાન કોરોનાનાએ ફરીથી માથું ઉચક્યું છે. કોરોનાના કેસોમાં રાજ્યમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.રાજ્યની હોસ્પિટલો કોરોનાના દર્દીથી ઉભરાઇ રહી છે.જેને લઇને રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકારની પણ ચિંતા વધી છે.કેન્દ્ર સરકાર એંસીડીસીના ડાયરેક્ટર સહિતની ટીમ ગુજરાત મોકલશે અને આ માટેની જવાબદારી ડો. એસ.કે.સિંઘને સોંપવામાં આવી છે.આ ટીમ ગુજરાત આવીને ગુજરાત સરકાર અને હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરી આગામી પગલાંઓ અંગે વાટાઘાટો કરશે.સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે,આ ટીમ કોવિડના કેસ, સંક્રમણ રોકવા, ટેસ્ટિંગ તથા તેના ઉપાયોના મામલે તપાસ કરશે.ઉપરાંત રાજ્યના અમદાવાદ અને એવા શહેરોની મુલાકાત લેશે જ્યાં કેસો વધી રહ્યા છે.આ સિવાય ક્ધટેનમેન્ટ ઝોન,અને દર્દીઓને અપાતી સારવાર અંગે સમીક્ષા કરશે.અને મુખ્ય સચિવ સાથે બેઠક કરશે.

Share Now