62,600 કરોડ માટે સેબી સહારા સામે પહોચી સુપ્રીમ કોર્ટ, રોકાણકારોને રૂપિયા ચૂકવવામાં ગલ્લાંતલ્લાં

285

ભારતના માર્કેટ રેગ્યુલેટર સેબીએ સુપ્રીમ કોર્ટમાં પિટીશન દાખલ કરી માગ કરી છે કે સહારાના વડા સુબ્રોતો રોય અને તેની બે કંપનીઓને 62,600 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપવામાં આવે. સેબીએ જણાવ્યું છે કે સહારાના રોકાણકારોના 62,600 કરોડ રૂપિયા જમા કરાવવાના બાકી છે.સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા(સેબી)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે સહારા વર્ષ 2012 અને 2015ના ચુકાદાનું પાલન કરવામાં નિષ્ફળ નિવડી છે.સેબીના જણાવ્યા અનુસાર સુપ્રીમના ચુકાદા મુજબ સહારાને રોકાણકારો પાસેથી ઉઘરાવેલી રકમ 15 ટકા વાર્ષિક વ્યાજ સાથે પરત કરવાની હતી.

સહારા એક સમયે ભારતની નેશનલ ક્રિકેટ ટીમની સ્પોન્સર હતી

ઉલ્લેખનીય છે કે સહારા એક સમયે ભારતની નેશનલ ક્રિકેટ ટીમની સ્પોન્સર હતી. ઉલ્લેખનીય છે કે કોર્ટના ચુકાદાનું પાલન ન કરવા બદલ સુબ્રોતો રોયની માર્ચ, 2014માં ધરપકડ થઈ હતી અને 2016માં તેમને જામીન મળ્યા હતાં.સેબીએ દાવો કર્યો છે કે સહારા છેલ્લા આઠ વર્ષથી સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન કરી રહ્યું ન હોવાથી અમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કોર્ટના આદેશનું પાલન કરવા માટે સહારા દ્વારા કોઇ પ્રયત્નો કરવામાં આવ્યા નથી

સેબીએ માગ કરી છે કે સુબ્રોતો રોય અને તેમની કંપનીઓ બાકી રકમ જમા કરાવવામાં નિષ્ફળ નિવડે તો તેમની ફરીથી ધરપકડ કરવામાં આવે.સેબીએ વધુમાં જણાવ્યું છે કે કોર્ટના આદેશનું પાલન કરવા માટે સહારા દ્વારા કોઇ પ્રયત્નો કરવામાં આવ્યા નથી.સેબીની આ અરજીના સંદર્ભમાં સહારાના પ્રવક્તાએ જણાવ્યું છે કે કંપનીએ અત્યાર સુધીમાં 220 અબજ રૂપિયા જમા કરાવી દીધા છે.

Share Now