દેશમાં મુસ્લિમ પુરુષોને એકથી વધુ લગ્ન કરવા ની પરવાનગી આપતી આઈપીસીની ધારા અને શરિયતના કાનૂનને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકતી અરજી દાખલ કરવામાં આવી છે જેમાં એકથી વધુ લગ્નો અટકાવવા ની દાદ માગવામાં આવી છે.
અરજદારો વતી એડવોકેટ વિષ્ણુ શંકર જૈન દ્વારા અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે કોઈપણ એક સમુદાયને એક થી વધુ વખત લગ્ન કરવાની પરવાનગી આપી શકાય નહીં. અન્ય ધર્મોમાં આ પ્રકારની પ્રથા પર પ્રતિબંધ છે તો પછી મુસ્લિમ પુરુષોને ને શા માટે એકથી વધુ વખત લગ્ન કરવાની છૂટ આપવામાં આવે છે.
અરજીમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે આઈપીસીની કલમ 494 અને શરિયત ની કલમ 2 ની જોગવાઈ ગેરબંધારણીય જાહેર થવી જોઈએ કારણ કે આ કલમો ના આધારે મુસ્લિમ પુરુષો એકથી વધુ લગ્ન કરી રહ્યા છે. દેશમાં હવે આ સિસ્ટમ બંધ થવી જોઈએ.
દેશમાં હિન્દુ સમુદાય તેમજ પારસી અને ક્રિશ્ચિયન પુરુષ જો પોતાની પ્રથમ પત્ની હયાત હોય અને બીજા લગ્ન કરે તો તેને દોષિત ગણવામાં આવે છે.ધર્મના નામ પર બીજી વખત લગ્ન કરવાની મંજૂરી આપતી જોગવાઈ ભેદભાવપૂર્ણ છે અને તે રદ થવી જોઈએ.
વકીલોએ એવી દલીલ પણ કરી છે કે બંધારણની અનેક કલમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આઈપીસીની વિવાદાસ્પદ કલમ અને શરિયત ધારાની કલમ રદ થવી જોઈએ. જો આમ થાય તો જ દેશમાં સમાનતા નો માહોલ બની શકે.