ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે 35 વર્ષની ઉંમરે જ ક્રિકેટને અલવિદા કહી દીધું.2018માં ટીમ ઈન્ડિયા માટે અંતિમ વખત રમનાર પાર્થિવ પટેલ હવે ક્રિકેટના એકેય ફોર્મેટમાં રમતા જોવા નહિ મળે.વર્ષ 2002માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર માત્ર 17 વર્ષની ઉંમરે જ પાર્થિવ પટેલે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.પાર્થિવ પટેલ આ વર્ષે આઈપીએલમાં આરસીબીનો ભાગ હતા,પરંતુ તેમને એકેય મેચ રમવાનો મોકો નહોતો મળ્યો.પાર્થિવ પટેલે ટ્વિટર દ્વારા ક્રિકેટને અલવિદા કહેવાનું એલાન કર્યું છે.
પટેલે લખ્યું, “હું આજે મારા 18 વર્ષ લાંબા ક્રિકેટ કરિયરની અલવિદા કહી રહ્યો છું.બીસીસીઆઈએ મારા પર ભરોસો જતાવતાં 17 વર્ષની ઉંમરમાં જ મને ટીમ ઈન્ડિયા માટે રમવાનો મોકો આપ્યો.બીસીસીઆઈએ જેવી રીતે મારો સાથ આપ્યો છે તેના માટે હું હંમેશા આભારી રહીશ.” પાર્થિવ પટેલે એ તમામ કેપ્ટનોનો આભાર વ્યક્ત કર્યો જેમની આગેવાનીમાં તેઓ ટીમ ઈન્ડિયા માટે રમ્યા છે. ખાસ કરીને સૌરવ ગાંગુલીને આભાર વ્યક્ત કરતા પાર્થિવ પટેલે લખ્યું કે, ‘દાદાનો હું હંમેશા આભારી રહીશ.એક કેપ્ટન તરીકે ગાંગુલીએ હંમેશા મારો સાથ આપ્યો અને તેમની સાથે રમવું મારા માટે સૌભાગ્યની વાત રહી.’ પાર્થિવ પટેલે પરિવારને સમય આપવા માટે ક્રિકેટને અલવિદા કહેવાનું એલાન કર્યું છે. પાર્થિવ પટેલનું કહેવું છે કે તેઓ એક ક્રિકેટર તરીકે પોતાની જિંદગી જીવી ચૂક્યા છે અને તેમના પર પિતા તરીકે કેટલીક જવાબદારીઓ છે જેને હવે તેઓ પૂરી કરવા માંગે છે.