– પાંચ બાળકોની માતા મેળો જોઇને પાછી ફરી રહી હતી
દુમકા (ઝારખંડ) તા.10 : ઝારખંડના દુમકામાં મેળો જોઇને ઘર તરફ પાછાં ફરી રહેલા એક પરિવાર પર આફત ત્રાટકી હતી.પતિની હાજરીમાં એક બે નહીં,પૂરા સત્તર જણે એક મહિલા પર ગેંગરેપ કર્યો હતો.
સાંથાલ પરગણાના નાયબ પોલીસ કમિશનર સુદર્શન પ્રસાદ મંડલે મિડિયાને કહ્યું હતું કે પાંચ બાળકોની માતા એવી આ મહિલા મંગળવારે રાત્રે એક મેળો જોઇને ઘર તરફ પાછી ફરી રહી હતી.એની સાથે એનો પતિ પણ હતો.આરોપીઓની તપાસ પોલીસ કરી રહી હતી. એક આરોપીની ઓળખ મહિલાએ પોલીસને આપી હતી.
પીડિતાને તબીબી તપાસ માટે મોકલી આપવામાં આવી હતી.મહિલાએ ઓળખી બતાવેલો એક આરોપી એના જ ગામનો રહેવાસી છે.આ ઘટના દુમકા જિલ્લાના મુફસ્સિલ વિસ્તારમાં બની હતી.પોલીસની તપાસ ચાલુ હતી એમ મંડલે વધુમાં કહ્યું હતું.
આ દંપતી ઘર તરફ પાછું ફરી રહ્યું હતું ત્યારે શરાબના નશામાં ધૂત એક ટોળાએ એમને રોક્યા હતા.પતિને પાંચ યુવાનોએ પકડી રાખ્યો હતો અને મહિલાને નજીકની ઝાડીમાં લઇ જઇને એક પછી એક સત્તર વ્યક્તિએ મહિલા પર રેપ ગુજાર્યો હતો.મહિલા ચીસાચીસ કરતી રહી હતી પરંતુ કોઇ એની વહારે આવ્યું નહોતું.
પોલીસે કહ્યું કે દર સપ્તાહે મંગળવારે આ દંપતીના ગામ નજીક મેળો ભરાય છે.ત્યાં આ લોકો ખરીદી કરવા ગયા હતા. રાત્રે પાછાં ફરતાં થોડું મોડું થઇ ગયું હતું.