વોશિંગ્ટન : અમેરિકાની સરકાર અને ૪૮ રાજ્યએ ફેસબુક સામે સમાંતર ધોરણે એન્ટિટ્રસ્ટ કેસ કર્યો છે.તેમણે વિશ્વની ટોચની સોશિયલ મીડિયા કંપની પર તેના વર્ચસ્વનો ઉપયોગ કરીને મોનોપોલી ઊભી કરવા અને નાના હરીફોને કચડી નાખવાનો આરોપ મૂક્યો છે.કદાચ આ કેસને કારણે ફેસબુકને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ વેચવાની ફરજ પડી શકે.બુધવારે ફેડરલ ટ્રેડ કમિશન (FTC) અને ૪૮ રાજ્યના એટર્ની જનરલ્સે ફેસબુક સામે કેસ દાખલ કર્યા પછી કંપનીનો શેર નોંધપાત્ર ઘટ્યો હતો. ન્યૂ યોર્કના એટર્ની જનરલ લેટિશિયા જેમ્સે આરોપ મૂક્યો હતો કે, ‘ફેસબુકે તેની મોનોપોલી સામે જોખમ ઊભું કરતી કંપનીઓને ખતમ કરવા વ્યવસ્થિત વ્યૂહરચનાનો ઉપયોગ કર્યો છે. જેમાં ઊભરતા હરીફ ઇન્સ્ટાગ્રામનું ૨૦૧૨માં એક્વિઝિશન, ૨૦૧૪માં મોબાઇલ મેસેજિંગ એપ વોટ્સએપની ખરીદી તેમજ સોફ્ટવેર ડેવલપર્સ સામે સ્પર્ધાવિરોધી શરતો લાદવાનો સમાવેશ થાય છે.
સત્તાવાળાના જણાવ્યા અનુસાર ફેસબુકની આ કાર્યશૈલીને કારણે સ્વસ્થ સ્પર્ધાને ધક્કો પહોંચ્યો છે.તેને લીધે ગ્રાહકો પાસે સોશિયલ નેટવર્કિંગ માટે બહુ ઓછા વિકલ્પો રહ્યા છે અને એડવર્ટાઇઝર્સ સ્પર્ધાના લાભથી વંચિત રહ્યા છે.જેમ્સે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ‘લગભગ એક દાયકાથી ફેસબુકે નાના હરીફોને હટાવવા અને સ્પર્ધાને ખતમ કરવા તેના વર્ચસ્વ અને મોનોપોલીનો ઉપયોગ કર્યો છે.’ જોકે, કેસનો વિરોધ કરતા ફેસબુકના જનરલ કાઉન્સિલ અને વાઇસ પ્રેસિડન્ટ જેનિફર ન્યૂસ્ટેડે જણાવ્યું હતું કે, ‘આ કેસના કારણે અમેરિકન સરકારની મર્જર સમીક્ષાની પ્રક્રિયા સામે સવાલ અને અનિશ્ચિતતા ઊભી થશે. હસ્તગત કરાયેલા બિઝનેસનો આધાર વાસ્તવમાં કાનૂની પ્રક્રિયાના પરિણામ પર રહેશે કે નહીં તેની સ્પષ્ટતા પણ જરૂરી બનશે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘(ફેસુબુક સામે પગલાં લેવાશે તો) આ પગલાથી ઇન્વેસ્ટમેન્ટ અને ટેક્નોલોજીની સુરક્ષા કરતી કંપનીઓને નુકસાન વેઠવું પડશે અને ઇનોવેશન માટે ખર્ચ નહીં કરતી એન્ટિટીને તેનો લાભ મળશે. આવું થવાથી કંપનીઓ નવી પ્રોડક્ટ્સ અને સેવાઓને વેગ આપવા તેમના પ્લેટફોર્મ્સને લાંબા ગાળા માટે ઉપલબ્ધ નહીં બનાવે.’