કાલથી મોહન ભાગવત અને તા.19ના અમિત શાહ પ.બંગાળની મુલાકાતે

252

નવી દિલ્હી, તા.11 : પશ્ચીમ બંગાળના પ્રવાસે ગયેલ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાના કાફલા પર થયેલા હુમલામાં એક તરફ કેન્દ્ર સરકારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે રિપોર્ટ માંગીને મમતા બેનરજી સરકારને વધુ ભીડવવાની તૈયારી કરી છે

તો બીજી તરફ ભાજપે રાજકીય આક્રમણ પણ તેજ બનાવતા હવે તા.19, 20 ડિસે.ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય નેતા અમિત શાહ ફરી એક વખત રાજ્યની મુલાકાતે જઇ રહ્યા છે અને તે પૂર્વે આવતીકાલથી આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની પ.બંગાળની મુલાકાતે પહોંચી રહ્યા છે.

અમિત શાહ અગાઉ પણ પ.બંગાળમાં મમતા બેનરજી પર હુમલો કરી આવ્યા હતા અને ભાજપે હવે આગામી ધારાસભા ચૂંટણી સુધી પ.બંગાળને ટાર્ગેટ બનાવવાનો નિર્ણય લીધો છે.ગઇકાલની ઘટના પર પ્રતિભાવ આપતા શાહે જણાવ્યું કે પ.બંગાળ હવે એક સંઘર્ષના યુગમાંથી પસાર થઇ રહ્યું છે અને ચારેય તરફ અંધાધૂંધીની સ્થિતિ છે અને તૃણમુલ શાસનથી લોકો હવે દૂર થવા લાગ્યા છે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ અત્યંત ખરાબ થઇ છે.શાહ બે દિવસની મુલાકાત દરમિયાન મમતા બેનરજી સરકારને નવી મુશ્કેલી લાવશે તે નિશ્ચીત છે તો આવતીકાલે મોહન ભાગવત બે દિવસની મુલાકાતમાં પ.બંગાળના ટોચના બૌધ્ધીકો અને યુવાનો સાથે વાર્તાલાપ કરશે.સંઘના વડાની આ મુલાકાતને મહત્વની ગણવામાં આવે છે અને આ સાથે ભાજપે હવે પ.બંગાળમાં તેનો મોરચો વધુ મજબૂત બનાવવાની તૈયારી કરી છે.

Share Now