નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓની વિરુદ્ઘ આંદોલન કરી રહેલા ખેડૂતોએ કહ્યું છે કે તેઓ સરકાર સાથે વાતચીત કરશે પરંતુ તેમની કેટલીક શરતો રહેશે.બીજી તરફ સોમવારે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર એ કહ્યું કે ખેડૂતોની સાથે મંત્રણાની આગામી તારીખ નક્કી કરવા માટે સરકાર તેમના સંપર્કમાં છે.ઉલ્લેખનીય છે કે ખેડૂત સંગઠનોએ ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ઘ પોતાનું આંદોલન વધુ ઉગ્ર કરી દીધું છે અને તેઓએ સોમવારે એક દિવસની ભૂખ હડતાળ કરી.તોમરે કહ્યું કે,બેઠક ચોક્કસપણે થશે.અમે ખેડૂતો સાથે સંપર્કમાં છીએ.તેઓએ કહ્યું કે સરકાર કોઈ પણ સમયે વાતચીત કરવા માટે તૈયાર છે. ખેડૂત નેતાઓને નક્કી કરીને જણાવવાનું છે કે આગામી બેઠક માટે કયારે તૈયાર છે.
પ્રદર્શનકારી ખેડૂતોના ૪૦ યૂનિયનોના પ્રતિનિધિઓની સાથે સરકારની વાતચીતની આગેવાની તોમર કરી રહ્યા છે.તેમાં તેમની સાથે કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગ તથા ખાદ્ય મંત્રી પીયૂષ ગોયલ અને વાણિજય અને ઉદ્યોગ રાજયમંત્રી સોમ પ્રકાશ સામેલ છે.કેન્દ્ર અને ખેડૂત નેતાઓની વચ્ચે અત્યાર સુધી થયેલી પાંચ ચરણોની મંત્રણા પરિણામ વગરની રહી છે.
અખિલ ભારતીય કિસાન સંદ્યર્ષ સમિતિ (AIKSCC)એ કહ્યું કે તેઓ કેટલીક શરતોની સાથે ફરીથી વાતચીત માટે તૈયાર છે.પંજાબના મોટાભાગના ખેડૂત ત્રણ કાયદાને રદ કરવા માટેનું દબાણ કરી રહ્યા છે.તેમનું કહેવું છે કે ફરીથી વાતચીત શરૂ કરવા માટે ત્રણ આશ્વાસનોની જરૂર છે.
પહેલી શરત- વાતચીત જૂના પ્રસ્તાવો પર ન થઈ શકે,જેને કૃષિ સંઘ પહેલા જ ફગાવી ચૂકી છે.બીજી શરત- સરકારને એક નવો એજન્ડા તૈયાર કરવો જોઈએ અને ત્રીજ શરત- વાતચીત કૃષિ કાયદાને રદ કરવા પર કેન્દ્રીત હોવી જોઇએ.
AIKSCCના સચિવ આવિક સાહાએ જણાવ્યું કે,સરકાર વારંવાર ફગાવી દેવામાં આવેલા તર્કને રજૂ કરી રહી છે.ખેડૂત મંત્રણા માટે તૈયાર છે.પરંતુ ત્રણ કૃષિ કાયદા અને વીજળી સંશોધન બિલ ૨૦૨૦ના પરત લેવા જોઈએ. AIKSCCના એક અન્ય નેતા કવિતા કુરુગાંતીએ કહ્યું કે ખેડૂતોને ફરીથી વાત કરવાથી કોઈ વાંધો નથી. તેથી જો સરકાર નિમંત્રણ મોકલે છે તો ભવિષ્યની વાતચીત તેમના એજન્ડા પર નિર્ભર રહેશે.
અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સ અનુસાર મામલા સાથે સંકળાયેલા એક વ્યકિતએ કહ્યું કે સરકાર અનૌપચારિક રીતે ફોન પર કૃષિ નેતાઓ સાથે વાત કરી રહી છે.જયારે મામલો ઉકેલાશે તો એક સંશોધિત એજન્ડાની સાથે એક ઔપચારિક આમંત્રણ ફરીથી મોકલવામાં આવી શકે છે.