વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (મંગળવારે) ફરી એકવાર માદરે વતન ગુજરાતના કચ્છમાં ભુજ નજીક ધોરડો ટેન્ટસિટી ખાતે લગભગ 6 કલાકની મુલાકાતે આવી રહ્યા છે.તેઓ બપોરે બારેક વાગે નવી દિલ્હીથી સીધા ભુજ આવશે અને સાંજે છ એક વાગ્યે પરત દિલ્હી જશે.આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ વડાપ્રધાનની આ મુલાકાત સંદર્ભે મંગળવારે સવારે ધોરડો ટેન્ટસિટી પહોંચી રહ્યા છે.
વડાપ્રધાન તેમની 6 કલાકની ગુજરાત મુલાકાત દરમિયાન વીડિયો કોન્ફરન્સ મારફતે ત્રણ મોટા પ્રોજેક્ટસના ખાતમુહૂર્ત કરવાના છે.ધોરડો ટેન્ટસિટીથી 500 મીટર દૂર 500 માણસો સમાવવાની ક્ષમતાવાળો વિશાળ ડોમ બનાવાયો છે,જ્યાંથી આ વર્ચ્યુઅલ કાર્યક્રમ થશે.અદાણી જૂથની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા 9,500 મેગાવોટના સૌથી મોટા સોલર-વિન્ડ પ્રોજેક્ટ સહિત કુલ 30,000 મેગાવોટના હાઇબ્રિડ પાર્ક જે કચ્છ સરહદે સર્જાવાનો છે તેનું તથા માંડવીમાં શાપૂરજી પાલૂનજી જૂથને સોંપાયેલા 100 એમએલડી ક્ષમતાના ડિસેલિનેશન પ્લાન્ટનું વડા પ્રધાન ખાતમુહૂર્ત કરવાના છે.તદુપરાંત અંજાર નજીક કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા રૂ. 129 કરોડના ખર્ચે સ્થપાનારા 2 લાખ લીટર ક્ષમતાના ઓટોમેટિક સરહદ ડેરી પ્લાન્ટનું પણ વડાપ્રધાનના હસ્તે ત્યાંથી જ વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત થનારું છે.
વડાપ્રધાન મોદી ધોરડો ટેન્ટસિટીના શાહી તંબુમાં તેમના ટૂંકા રોકાણ દરમિયાન 2001ના વિનાશક ધરતીકંપમાં જાન ગુમાવનારા 10 હજારથી વધુ માણસોની યાદમાં ભૂજ નજીક ભૂજિયા ડુંગર ખાતે સર્જાઈ રહેલા સ્મૃતિ વન મેમોરિયલ-કમ-મ્યુઝિયમ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન પણ જોવાના છે.તેઓના આ પ્રવાસને ધ્યાને રાખી ટૂરિઝમ વિભાગે તેમની સફેદ રણની વિઝિટ પણ ગોઠવી છે તથા તેઓ ટેન્ટસિટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ માણવાના છે.
વડાપ્રધાન મોદીની કચ્છ મુલાકાતમાં શું શું થશે
– આજે 15 ડિસેમ્બરે દિલ્હીથી 11:30 વાગ્યે કચ્છ આવવા રવાના થશે.
– બપોરે 1:30 વાગે તેઓ ક્ચ્છના ભૂજ એરપોર્ટ પહોચશે.
– ભુજથી હેલિકોપ્ટર મારફતે ધોરડો પહોચશે.
– રિન્યુએબલ એનર્જી પાર્કનું ટેન્ટ સિટી, ધોરડોથી બપોરે 2 કલાકે ખાતમૂર્હુત
– સાંજે 5 કલાકે સફેદ રણનો નજારો માણશે
– એક સાંસ્કૃતિક કાર્યક્રમના સાક્ષી બનશે.
– સાંજે 7:30 વાગે દિલ્હી જવા રવાના થશે.
ત્રણ મહત્વની યોજનાઓનો શિલાન્યાસ કરશે. ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક
– સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે.
• પ્રોજેક્ટમાં ડિસેલિનેશન પ્લાન્ટ,હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક અને સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટ સામેલ.
• માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી,ધોરડોથી ખાતમૂર્હુત.
• દરિયાના પાણીને મીઠા બનાવવાના કચ્છના ગુંદિયાળી સહિત સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા,ઘોઘા-ભાવનગર,સુત્રાપાડા-સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.
• પ્રધાનમંત્રી કચ્છ સરહદે મોટા રણમાં સૌરઊર્જા અને પવનચક્કીથી ઉભા થનારા વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટની ક્ષમતાના હાઇબ્રીડ એનર્જી પાર્કનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન પણ કરશે.
• સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઉભા કરાનાર બે લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કરવાના છે.
• ખેડૂતો સાથે સંવાદ કરશે.
ધોરડો ખાતે વડાપ્રધાન કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ કરશે.
• કચ્છના હસ્તકલા કારીગરોને પણ મળશે.
• પ્રધાનમંત્રી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાંથી આ બધા વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.
• વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતેથી રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા અંદાજે રૂ. 129 કરોડથી વધુના ખર્ચે સ્વંય સંચાલિત ડેરી પ્લાન્ટની ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન વિધિ સંપન્ન કરશે.
જાણો સમગ્ર કાર્યક્રમની ખાસિયતો?
મંગળવાર 15 ડિસેમ્બરનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છનાં પ્રવાસે આવી રહ્યા છે.ધોરડો ખાતે બે મોટા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેમનાં હસ્તે થનાર છે. વડાપ્રધાનની કચ્છની એક દિવસની ટૂંકી મુલાકાતને લઈ ધોરડો ગામ લોખંડી બંદોબસ્તમાં ફેરવાઈ ગયું હોય તેમ રાજ્ય અને જિલ્લાનાં ઉચ્ચ અમલદારો તથા મંત્રીઓનો કાફલો ધોરડો પહોંચ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોરડો ખાતે ખાસ ઊભા કરેલા ડોમમાંથી સરહદી વિસ્તારમાં વિશ્વનાં સૌથી મોટા 30 હજાર મેગા વૈકલ્પિક ઉર્જા હાઈબ્રિડ પાર્ક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે તેમજ માંડવી તાલુકાનાં ગુંદીયાળી ખાતે દરિયાનાં ખારા પાણીને પીવાલાયક મીઠા પાણી બનાવતા 100 એમએલડી (દશ કરોડ લિટર પ્રતિદિન) ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. જેની સાથે સાથે સૌરાષ્ટ્રનાં ગાંધીવી-દ્વાારકા,ધોધા-ભાવનગર અને સૂત્રાપાડા-સોમનાથનાં ડિસેલીનેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.
આ ઉપરાંત અંજાર તાલુકાનાં ચાંદરાણીમાં 129 કરોડનાં ખર્ચે 4 લાખ લિટરનાં ઓટોમેટીક દૂધ પ્લાન્ટનો ધોરડોથી વડાપ્રધાન શિલાન્યાસ બપોરનાં 2 કલાકે કરશે. નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા વિકાસ કામોનાં ખાતમુહૂર્તનાં કાર્યક્રમ જે ધોરડોનાં સફેદ રણમાં થનાર છે ત્યાં રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે.ધોરડો ખાતે વડાપ્રધાન કચ્છનાં પ્રગતિશીલ ખેડૂતોને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમની સાથે વાર્તાલાપ કરશે અને કચ્છનાં હસ્તકલા કારીગરોને પણ મળશે.સુરક્ષાકર્મીઓએ છેલ્લા ત્રણ દિવસથી તેમને સોંપવામાં આવેલા ફરજનાં સ્થળે સુસવાટા મારતા ઠંડા પવનો વચ્ચે આંટા ફેરા કરતા નજરે પડી રહ્યા છે.
દરમિયાન વડાપ્રધાનનાં ધોરડો ખાતેનાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી,ઉર્જામંત્રી સૌરભ પટેલ,ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રવાસનમંત્રી જવાહર ચાવડા, રાજ્યમંત્રી વાસણભાઈ આહીર સહિતનામંત્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.જયારે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા ગુંદીયાળી ગામે પાણી પુરવઠા વિભાગનાં ડિસેલીનેશન પ્લાન્ટનાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.જયારે પશુપાલન રાજયમંત્રી બચુભાઈ ખાબડ અંજાર તાલુકાનાં ચાંદરાણી ગામે સરહદ ડેરીનાં મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટનાં વરચ્યુઅલ ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજર રહેશે.