મહારાષ્ટ્ર સરકારે બળાત્કાર,ઍસિડ-અટૅક તથા સોશ્યલ મીડિયા પર મહિલાઓ અને બાળકો વિરુદ્ધ અપમાનજનક સામગ્રી મૂકવા જેવા અપરાધ બદલ મૃત્યુદંડ અને ૧૦ લાખ રૂપિયા સુધીના દંડ સહિતની કડક સજાની જોગવાઈ કરતું વિધેયક સોમવારે વિધાનસભામાં રજૂ કર્યું હતું.
‘શક્તિ’ નામ ધરાવતું અને આંધ્ર પ્રદેશમાં દિશા ઍક્ટ તરીકે અમલી બનેલા આ વિધેયકમાં ૧૫ દિવસમાં તપાસ પૂરી કરીને ચાર્જશીટ દાખલ કરવાની અને ટ્રાયલ ૩૦ દિવસમાં પૂરી કરવાની જોગવાઈનો સમાવેશ છે.આ વિધેયક ગૃહ દ્વારા આજે પસાર કરવામાં આવે એવી અપેક્ષા છે.
રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે રાજ્યની વિધાનસભાના બે દિવસીય શિયાળુ સત્રના પ્રથમ દિવસે મહારાષ્ટ્ર શક્તિ ક્રિમિનલ લૉ (મહારાષ્ટ્ર અમેન્ડમેન્ટ) ઍક્ટ, ૨૦૨૦ તથા મહારાષ્ટ્ર એક્સક્લુઝિવ સ્પેશ્યલ કોર્ટ (ફૉર સર્ટેઇન ઑફેન્સિસ અગેઇન્સ્ટ વિમેન ઍન્ડ ચિલ્ડ્રન અન્ડર શક્તિ લૉ) રજૂ કર્યા હતા.
પ્રથમ વિધેયક પોક્સો ઍક્ટ, સીઆરપીસી અને આઇપીસીની વર્તમાન કલમોમાં વધુ કડક સજા માટે સુધારાની જોગવાઈ ધરાવે છે,જ્યારે બીજું વિધેયક ઍક્ટ હેઠળ ટ્રાયલ માટે રાજ્યના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક સ્પેશ્યલ કોર્ટ પ્રસ્થાપિત કરવા સંદર્ભે છે.
સૂચિત કાયદામાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પરની ધમકીઓ તથા સંદેશાઓને આવરી લેતી જોગવાઈઓ પણ હશે.આરોપીઓને ઝડપથી સજા થાય એ સુનિશ્ચિત કરવા માટેનો આ એક મહત્ત્વપૂર્ણ કાયદો છે એમ દેશમુખે જણાવ્યું હતું.
આ વિધેયક ૧૦ મહિનાની મહેનત બાદ તૈયાર થયું હતું અને ગૃહ વિભાગની ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા એને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ વિધેયક માટે દેશમુખે દિશા ઍક્ટનો અભ્યાસ કરવા આંધ્ર પ્રદેશની મુલાકાત લીધી હતી.