CAA-NRC વિરૂદ્ધ શાહીન બાગમાં ફરી દેખાવો થશે ? જામિયા અને શાહીન બાગમાં ફરી ભારે પોલીસ બંદોબસ્ત

388

– હવામાં કશુંક બનવાની દહેશત

નવી દિલ્હી તા. 15 ડિસેંબર : CAA-NRC વિરુદ્ધ ફરી એકવાર દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં ભારે પોલીસ બંદેાબસ્ત દેખાતાં ફરી દેખાવો થવાના છે કે કેમ એવી દહેશત ફેલાવા લાગી હતી.જામિયા નગર અને શાહીન બાગ વિસ્તતરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ વિસ્તારોમાં 144મી કલમ લાગુ પાડવામાં આવી હતી અને અહીં આવતા જતા દરેક પર નજર રાખવામાં આવતી હતી.દિલ્હી પોલીસ ઉપરાંત અર્ધ લશ્કરી દળો પણ તહેનાત કરવામાં આવ્યા હતા.આ વર્ષના આરંભે પાટનગર નવી દિલ્હીમાં CAA-NRC વિરુદ્ધ જામિયા મિલિયા યુનિવર્સિટીની સામે મૌલાના મુહમ્મદ અલી જૌહર માર્ગ અને શાહીન બાગ સહિત કુલ 14 વિસ્તારોમાં દેખાવો શરૂ થઇ ગયા હતા.એને પગલે શાહીન બાગ પ્રસિદ્ધ વિસ્તાર બની ગયો હતો.

આ દેખાવો સૌથી લાંબો સમય એટલે કે 101 દિવસ સુધી ચાલ્યો હતો.કોરોના ચેપ શરૂ થતાં માર્ચમાં એનો અંત આવ્યો હતો. આજે એ દેખાવોને એક વર્ષ પૂરું થઇ રહ્યું હતું.

ગુપ્તચર ખાતાને એવી બાતમી મળી હતી કે એક તરફ ખેડૂત આંદોલન ચાલુ છે ત્યારે બીજી બાજુ ફરી એકવાર CAA-NRC વિરુદ્ધ આંદોલન ચાલુ કરાવવાની કેટલાક લોકોની ગુપ્ત યોજના હતી એટલે આ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શાહીન બાગમાં સરિતા વિહારથી કાલિંદી કુંજ તરફ જવા-આવવાના રોડ નંબર 13 પર દિલ્હી પોલીસ ઉપરાંત સીઆરપીએફ અને અન્ય દળોને પણ તહેનાત કરવામાં આવ્યા હતા. જામિયાના કેટલાક વિદ્યાર્થીઓ આવું અટકચાળું કરે એવી બાતમી પોલીસને મળી હતી.આ ઉપરાંત જામિયા મેટ્રો સ્ટેશનથી વાઇ પોઇન્ટ સુધી મૌલાના મુહમ્મદ અલી જૌહર માર્ગ પર પણ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Share Now