નવી નાણાપ્રવાહિતા અને ચીનમાં સુધરી રહેલા અર્થતંત્રની માગણી વધશે એવી આશા

330

વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં સોમવારના તીવ્ર ઘટાડા બાદ ગઈ કાલે ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે.બજારમાં સોનાના સૌથી મોટા આયાતકાર ચીનમાં સુધરી રહેલા અર્થતંત્રના કારણે ગ્રાહકો સોનાની ખરીદી કરવા પરત આવશે એવી આશા અને વૈશ્વિક રીતે સ્ટિમ્યુલસના કારણે ભવિષ્યમાં ફુગાવો થશે એવા અંદાજનો પણ ટેકો મળી રહ્યો છે.રાષ્ટ્રપતિ પદ માટે હવે જોન બાઇડન નિશ્ચિત થઈ જતાં પણ બજારમાં હળવા વ્યાજદર, પુષ્કળ નાણાં પ્રવાહિતાની નીતિ ચાલુ રહે અને તેનાથી સોનામાં આકર્ષણ વધે એવી ધારણા પણ રાખવામાં આવી રહી છે.

આ ઉપરાંત અમેરિકન બજાર શરૂ થતાં ન્યુ યૉર્ક ફેડરલ રિઝર્વના અમેરિકામાં મૅન્યુફૅક્ચરિંગના આંકડા ધારણા કરતાં નબળા આવતા બજારને તેજીનું બળ મળી રહ્યું છે.અમેરિકન ડૉલર સોમવારે ૯૦.૫૦ની અઢી વર્ષની નીચી સપાટી ઉપર હતો જેમાં આંશિક સુધારો જોવા મળી રહ્યો છે તેનાથી પણ ટેકો મળી રહ્યો છે.

સોમવારે સોનું ૦.૬૨ ટકા અને ચાંદી ૦.૧૧ ટકા ઘટ્યા હતા. ગઈ કાલે ન્યુ યૉર્ક ખાતે કૉમેક્સમાં સોનું ફેબ્રુઆરી વાયદો ૧.૩૫ ટકા કે ૨૪.૮૦ ડૉલર વધી ૧૮૫૬.૯૦ અને હાજરમાં ૧.૩૬ ટકા કે ૨૪.૯૧ ડૉલર વધી ૧૮૫૨.૨૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.ચાંદી માર્ચ વાયદો ૨.૩૪ ટકા કે ૫૬ સેન્ટ ઊછળી ૨૪.૬૧ અને હાજરમાં ૨.૬૨ ટકા કે ૬૩ સેન્ટ વધી ૨૪.૪૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

વિદેશની તેજી પગલે ભારતમાં પણ ભાવ વધ્યા

વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં આવેલા ઉછાળાના પગલે ભારતીય બજારમાં પણ ગઈ કાલે ભાવ વધ્યા હતા. મુંબઈ ખાતે હાજરમાં સોનું ૫૦૦ વધી ૫૧,૧૫૦ અને અમદાવાદ ખાતે ૪૮૦ વધી ૫૧,૦૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યું હતું.એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૯,૦૩૫ ખૂલી, ઉપરમાં ૪૯,૩૯૯ અને નીચામાં ૪૯,૦૦૭ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૩૧૮ વધીને ૪૯,૨૫૭ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૨૪૩ વધીને ૮ ગ્રામદીઠ ૩૯,૪૭૫ અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૩૨ વધીને ૧ ગ્રામદીઠ ૪૯૩૩ રૂપિયા થયા હતા,જ્યારે સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૨૦ વધીને બંધમાં ૪૯,૨૩૬ રૂપિયાના ભાવ રહ્યા હતા.

હાજરમાં મુંબઈ ચાંદી ૧૨૬૦ વધી ૬૫,૩૫૦ અને અમદાવાદ ખાતે ૧૨૨૦ વધી ૬૫,૩૦૦ રૂપિયા પ્રતિ કિલો બંધ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૩,૬૦૪ ખૂલી, ઉપરમાં ૬૪,૩૯૦ અને નીચામાં ૬૩,૫૯૯ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૬૧૧ વધીને ૬૪,૦૮૨ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૬૦૯ વધીને ૬૪,૦૭૬ અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૬૧૪ વધીને ૬૪,૦૭૩ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર સામે રૂપિયો નરમ પડ્યો

વૈશ્વિક બજારમાં અમેરિકન ડૉલરમાં આંશિક સુધારો,નરમ એશિયાઇ ચલણ વચ્ચે ગઈ કાલે ભારતીય રૂપિયો પણ ડૉલર સામે નરમ પડ્યો હતો.અમેરિકામાં રાષ્ટ્રપતિ માટે જો બાઇડન નિશ્ચિત થઈ જતા અને ફેડરલ રિઝર્વની બેઠક અગાઉ સાવચેતી વચ્ચે ડૉલરમાં નીચા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો.સોમવારે ૭૩.૫૫ બંધ રહેલો રૂપિયો ગઈ કાલે ૭૩.૬૨ની મક્કમ સપાટીએ ખૂલ્યા બાદ વધીને ૭૩.૫૯ થયા બાદ ઘટાડો જોવા મળ્યો હતો.સત્રના અંતે ડૉલર સામે રૂપિયો આઠ પૈસા ઘટી ૭૩.૬૩ બંધ રહ્યો હતો.

Share Now