ભારતની ઓળખ એવી સંસ્કૃત ભાષાને દેશની રાષ્ટ્રભાષા જાહેર કરવા અંગેની એક પિટીશનમાં સુપ્રીમ કોર્ટ 1 લી જાન્યુઆરી 2021 ના રોજ સુનાવણી હાથ ધરશે.આ પિટીશન ગુજરાત સરકારના પૂર્વ અધિક સચિવ અને સુપ્રીમ કોર્ટના વકીલ કેજી વણઝારએ ભારતના બંધારણની કલમ 32 હેઠળ કરી છે.
આ પિટીશનમાં તેમણે કહ્યું હતું કે હિન્દીને રાજભાષા ચાલુ રાખીને સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવામાં આવે,કારણ કે ભારતીય બંધારણના વર્તમાન માળખાના આર્ટીકલ – 343 થી 351 સુધીના ઢાંચામાં ફેરફાર કર્યા વગર સંસ્કૃત ભાષાને રાષ્ટ્રભાષા બનાવી શકાય તેમ છે .
પિટિશનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે વર્તમાન બંધારણીય જોગવાઇ પ્રમાણે હિન્દી ભારતની રાષ્ટ્રભાષા નહીં,પરંતુ રાજભાષા છે.પરંપરાગત રીતે લોકો હિન્દીનો રાજભાષાને બદલે રાષ્ટ્રભાષા તરીકે ઉલ્લેખ કરે છે.તાત્વિક રીતે હાલ ભારતની કોઈ રાષ્ટ્રભાષા નથી .
આ પિટિશનના સમર્થનમાં સુપ્રીમ કોર્ટના વકીલ કેજી વણઝારાએ રજૂઆત કરી છે કે હિન્દી,હિન્દુસ્તાની ( ઉર્દૂ ),અંગ્રેજી અને સંસ્કૃત પૈકી કોઇ એક ભાષાની રાજભાષા તરીકેની પસંદગી માટે 1949 ની બંધારણ સભામાં ઉગ્ર ચર્ચા થઇ હતી,જેમાં ઉત્તર ભારત અને મધ્ય ભારતના હિન્દી ભાષી સભ્યોની બહુમતીના કારણે સમાધાન સ્વરૂપે હિન્દીનો સર્વસંમત રાજભાષા તરીકે સ્વીકાર કરવામાં આવ્યો હતો .
પિટીશનમાં કેજી વણઝારાએ કહ્યું છે કે જો ભારત સરકાર હિન્દીને રાજભાષા ચાલુ રાખી સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરે તો જાતિ,પંથ,વિસ્તાર તેમજ ઇસ્લામ,ખ્રિસ્તી, જૈન,બૌદ્ધ,શીખ અને પારસી ધર્મોના આધાર પર કોઈ વિવાદ કે વિગ્રહ ઊભો ન થઇ શકે,કારણ કે ,આ બધા ધર્મોમાં પ્રચલિત ભાષાઓનાં મૂળ સંસ્કૃત ભાષામાં છે.