દમણમાં તો દારુ સસ્તો છે ! ડૉક્ટર પતિ-પત્ની ગાડીમાં 34 બોટલો લાવ્યા અને ફસાયા

318

– દમણ ફરવા આવ્યા અને ત્યાંનો દારુ મહારાષ્ટ્ર કરતા સસ્તો લાગ્યો તો ઢગલાબંધ બોટલો ખરીદી નાસિક જવા નીકળ્યા અને વલસાડમાં પકડાઈ ગયાં

વાપી : કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દારુ મહારાષ્ટ્રની સરખામણીએ સસ્તો મળે છે,પરંતુ સસ્તા દારુની લાલચ ક્યારેક મોટી મુશ્કેલી પણ નોતરી શકે છે.મહારાષ્ટ્રમાં ભલે દારુ પર ગુજરાતની માફક પ્રતિબંધ ના હોય,પરંતુ દમણમાંથી પરમિટ વિના દારુ લઈ મહારાષ્ટ્રમાં જવું પણ ગુનો બને છે.મહારાષ્ટ્રના નાસિકમાં રહેતા ડૉક્ટર દંપતી દમણમાંથી સસ્તો દારુ લઈ પોતાની ગાડીમાં નાસિક જઈ રહ્યા હતા,પરંતુ હાલ તો તેમને ઘરને બદલે પોલીસ સ્ટેશન પહોંચવાનો વારો આવ્યો છે.

નાસિકમાં પોતાનું ક્લિનિક ધરાવતા ડૉક્ટર દંપતી દીપક થોરાત અને તેમના પત્ની પ્રિયા થોરાત દમણ ફરવા માટે આવ્યા હતા.તેમણે અહીં જોયું કે મહારાષ્ટ્ર કરતા દમણમાં દારુ ઘણો સસ્તો છે.જેથી તેમણે ગુજરાતમાંથી દારુ લઈને પસાર થવું પણ ગુનો છે તેવા કાયદાની ચિંતા કર્યા વિના જ દમણમાંથી 57 હજાર રુપિયા કિંમતની 34 મોંઘીદાટ દારુની બોટલો ખરીદી લીધી હતી,અને તેને ગાડીમાં મૂકી દીધી હતી.

દારુની ખરીદી બાદ આ દંપતી મહારાષ્ટ્ર જવા રવાના થયું હતું.જોકે,દમણથી આવી રહેલી એમજી હેક્ટર ગાડીને પારડીની કલસર ચેકપોસ્ટ પર પોલીસે અટકાવી હતી.મહારાષ્ટ્ર પાસિંગની આ ગાડીને પોલીસે અટકાવીને તેની તપાસ કરતા તેમાંથી પ્રિમિયમ ક્વોલિટીની દારુની 34 બોટલો મળી આવી હતી.આમ,પ્રોહિબિશનના ગુનામાં પોલીસે ડૉક્ટર દંપતીની ધરપકડ કરીને દારુ તેમજ તેમની ગાડી સહિત કુલ 15.57 લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ સમક્ષ આ દંપતીએ કબૂલાત કરી હતી કે મહારાષ્ટ્ર કરતા દમણમાં દારુ સસ્તો મળતો હોવાના કારણે તેઓ ઘરે પીવા માટે દારુનો મોટો જથ્થો લઈને નાસિક જવા નીકળ્યા હતા.જોકે,ઘરે પાર્ટી કરવા માટે ખરીદેલો દારુ આ ડૉક્ટર દંપતીને મોંઘો પડ્યો છે.ઉલ્લેખનીય છે કે,ગુજરાત સરકારે થોડા સમય પહેલા જ દારુબંધીના કાયદાને ઘણા કડક બનાવ્યા છે,જેમાં દારુની હેરફેર કરતા કોઈ પકડાય તો તેને જેલની સજાની જોગવાઈ તો છે જ,પરંતુ સાથે તેનું વાહન પણ કેસનો નિકાલના આવે તેવા સખ્ત કાયદા હાલ અસ્તિત્વ ધરાવે છે.

Share Now