સુરતમાં 61 લાખની નકલી વોચ કેસમાં પોલીસે 8.50 લાખનો તોડ કર્યો હોવાનો આક્ષેપ, જોઇન્ટ પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા

324

– મહિધરપુરા પોલીસે સના ટાઈમમાં દરોડા 61 લાખની નકલી વોચ ઝડપી હતી
– કેટલીક વોચ રેડ કરનારા પોલીસ કર્મચારીઓએ જ ગાયબ કરી હોવાનો આક્ષેપ

સુરત : સુરતમાં મહિધરપુરા પોલીસ સામે ગંભીર આક્ષેપ લાગતા અધિકારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા છે.નકલી રિસ્ટ વોચની દુકાન પર દરોડા પાડી સ્ટોકમાં ગોલમાલ કર્યો હોવાના આક્ષેપ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. 61 લાખની નકલી વોચ ઝડપી દુકાનમાં પંચનામું પણ કરવામાં ન આવ્યું હોવાનો દુકાનદારે આક્ષેપ કરતા ચર્ચાનો વિષય બન્યો છે.જોકે,બાજુમાં લાગેલા સીસીટીવીએ પોલીસની હાજરીનો પુરાવો દેખાય રહ્યો હોવાની પોલ ખોલી છે. ઉપરાંત કેટલીક વોચ પણ ગાયબ થઈ હોવાનું અને મામલો દબાવા માટે રેડ કરનારા પોલીસ કર્મચારીઓએ જ ગાયબ કરી રૂ. 8.50 લાખનો તોડ કર્યો હોવાનો દુકાનદારે ગંભીર આક્ષેપ કર્યો છે.

દુકાન માલિક ઇરફાન મેમણની ધરપકડ કરી હતી
—————————————-

ઇરફાન મેમણ (દુકાનદાર) એ જણાવ્યું હતું કે,સુરત શહેરમાં આવેલા ભાગળ ચાર રસ્તા પાસે સના ટાઈમની દુકાન પર ગત 12 ડિસેમ્બરે સાંજે 7.30 કલાકે મહિધરપુરા પોલીસે રેડ પાડી હતી. આ દુકાનમાં પાડેલી રેડમાં દુકાનમાંથી મહિધરપુરા પોલીસે રૂપિયા 61 લાખની નકલી રિસ્ટ વોચ કબજે લીધી હતી.આ પ્રકરણમાં પોલીસે મુદ્દામાલમાં ગોલમાલ કરી એક મોટી રકમનો દાવ કર્યો છે.જેને લઈ ઉચ્ચ અધિકારીઓ ફરિયાદ કરાતા એસીપીને ઇન્કવાયરી સોંપાઇ છે.એસીપીએ આક્ષેપોને પગલે તપાસ શરૂ કરી છે.બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળોનું ડુપ્લિકેશન કરી વેચવાનો વેપલો ચાલતો હોવાની બાતમી બાદ પોલીસે રેડ કરી વિવિધ બ્રાન્ડેડ કંપનીની રૂપિયા 61.23 લાખની 2075 નંગ નકલી રિસ્ટ વોચ કબજે લીધી હતી.સાથોસાથ દુકાન માલિક ઇરફાન નૂરમોહમંદ મેમણની ધરપકડ કરી હતી.

દુકાનની બાજુમાં લાગેલા સીસીટીવીમાં પોલીસની હાજરી કેદ થઈ.
—————————————————
ઇરફાન મેમણ (દુકાનદાર) એ જણાવ્યું હતું કે, મહિધરપુરા પોલીસના દરોડામાં ચોંકાવનારી વાત એ છે કે,માત્ર 20 મિનિટમાં જ રેડ પૂરી થઈ ગઈ હતી અને કોઈ સ્થળનું પંચનામું કરવામાં આવ્યું ન હતું એવું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે.મહિધરપુરા પોલીસ સામે સંગીન આક્ષેપો કરાયા છે. પોલીસે દુકાનમાંથી કબ્જે લીધેલો સ્ટોક ઓન પેપર ઓછો બતાવાયો છે અને ઇરફાન સહિત અન્યને છોડવા માટે રૂ. 8.50 લાખ પડાવી લીધા છે એવો ગંભીર આરોપ મહિધરપુરા પોલીસ પર કરવામાં આવ્યો છે.વિવાદિત પોલીસ કર્મી સહિતના પોલીસ કર્મીઓએ સ્ટોકમાં ગોલમાલ કરી હોવાની અને મોટી રકમ દુકાનદાર પાસે પડાવી હોવાની દુકાનદારનો આક્ષેપ થતા એસીપી સુધી મામલો ગયો છે.

સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યાઃ જોઇન્ટ પોલીસ કમિશનર
—————————————————–

જોઇન્ટ પોલીસ કમિશનર પી.એલ. મલે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ રેડના દિવસે પોલીસે ડિલિટ કરી નાખ્યા હતા.દુકાનમાં મોટી રેડ તો પણ પીએસઆઈ અને પીઆઈની ગેર હાજરી ઉપરાંત સ્થળ પંચનામું નહિ કરવામાં આવ્યું હોવાની વાતને લઈ અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

Share Now