મુલુંડની ગુજરાતી ગૃહિણીએ ગળાફાંસો ખાધો

263

મુલુંડમાં ૪૯ વર્ષની મહિલાએ લૉકડાઉનમાં ઊભી થયેલી આર્થિક મુશ્કેલીને કારણે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.મહિલાએ મંગળવારે બપોરે કોઈ ઘરે નહોતું ત્યારે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. મુલુંડ પોલીસના જણાવ્યા અનુસાર વૈશાલીનગરમાં વૈશાલી કો. ઑ. હાઉસિંગ સોસાયટીની ડી વિંગમાં રહેતી ગૃહિણીએ આર્થિક મુશ્કેલીમાં હોવાથી જીવન ટૂંકાવ્યાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી અને આ બાબતે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ વૈશાલી સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોરમાં જિતેન્દ્ર ઠક્કરનો પરિવાર રહે છે.મંગળવારે બપોરે જિતેન્દ્ર ઠક્કર કામસર બહાર ગયા હતા અને તેમનો ૧૭ વર્ષનો પુત્ર પણ ઘરે નહોતો ત્યારે ૪૯ વર્ષનાં કાશ્મીરા ઠક્કરે સાડીનો ગળાફાંસો બનાવીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.પુત્ર ઘરે આવ્યો ત્યારે તેના મમ્મી કાશ્મીરા ઠક્કર દરવાજો ન ખોલતાં હોવાથી તેણે પોતાની પાસેની બીજી ચાવીથી દરવાજો ખોલ્યો હતો ત્યારે તેણે તેની મમ્મીને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયાં હતાં.આ જોઈને તેણે તેના પપ્પા જિતેન્દ્રભાઈને ફોન કર્યો હતો.બાદમાં પોલીસને જાણ કરાતાં મુલુંડ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને કાશ્મીરા ઠક્કરના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલ મોકલી આપ્યો હતો.

મુલુંડ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી વિકાસ રાઉતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે અમે આકસ્મિક મૃત્યુ (એડીઆર) નોંધી તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી.જોકે એવી શક્યતા છે કે નાણાકીય પરેશાનીમાં આ મહિલાએ આ પગલું ભર્યું હોઈ શકે.મૃતક કાશ્મીરા ઠક્કરના પતિ રીઅલ એસ્ટેટનું કામકાજ કરે છે,જ્યારે ૧૭ વર્ષનો પુત્ર એચએસસીમાં હોવાનું જાણવા મળ્યું હતું. રીઅલ એસ્ટેટનો ધંધો ઠપ હોવાથી પરિવાર આર્થિક મુશ્કેલીમાં હોવાનું પણ જાણવા મળ્યું છે.’

કાશ્મીરા ઠક્કરને ઓળખતા લોકોનું કહેવું છે કે તેઓ મુલુંડની અનેક સામાજિક સંસ્થા સાથે જોડાયેલાં હતાં.તેઓ કોઈ પણ સ્વાર્થ વિના સેવા કરતાં.તેમણે ભરેલું આ ઘાતક પગલું ચોંકાવનારું છે.તેમના જવાથી મુલુંડમાં ચાલતા સામાજિક ગ્રુપને મોટી ખોટ પડી છે.

Share Now