શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકનો પુત્ર ઈડી સમક્ષ હાજર થયો

259

શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકના પુત્ર વિહંગ સરનાઇક ગઈ કાલે કથિત રીતે મની લોન્ડરિંગના કેસમાં તપાસકર્તા એજન્સીના પ્રશ્નોનો સામનો કરવા ઈડી સમક્ષ હાજર થયા હતા. વિહંગ સરનાઇક આ બીજી વખત તપાસકર્તા એજન્સી સમક્ષ ઉપસ્થિત થયા છે.વિહંગ સરનાઇક બપોરે લગભગ ૧૨ વાગ્યે ઈડીની દક્ષિણ મુંબઈમાં બેલાર્ડ એસ્ટેટ સ્થિત ઑફિસ પહોંચ્યા હતા.આ અગાઉ ૧૦ ડિસેમ્બરે ઈડી દ્વારા તેમના પિતાની પૂછપરછ કરવામાં આવી હતી.

૨૪ નવેમ્બરે ઈડીએ પ્રતાપ સરનાઇક,ટોપ્સ ગ્રુપ અને તેના પ્રમોટર રાહુલ નંદા તેમ જ અન્યની મુંબઈ તેમ જ નજીકના થાણે વિસ્તારમાં આવેલી મિલકતની તપાસ શરૂ કરી હતી.તપાસ બાદ ઈડીના અધિકારીઓએ વિહંગ સરનાઇકને તેમના રહેઠાણ પરથી લઈ જઈને પૂછપરછ કરી હતી.મહિને ઈડીએ પ્રતાપ સરનાઇક અને ટોપ્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર એમ. શશીધરનની પીએમએલએ હેઠળ ધરપકડ કરી હતી.

ટોપ્સ ગ્રુપના ભૂતપૂર્વ કર્મચારી રમેશ અય્યર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદને પગલે કેસ દાખલ કરાયો હતો.

રમેશ અય્યરે તેની ફરિયાદમાં એવો દાવો કર્યો હતો કે એમએમઆરડીએ સાથેના કૉન્ટ્રૅક્ટ હેઠળ કંપનીએ ૩૫૦થી ૫૦૦ સુરક્ષાકર્મીઓ પૂરા પાડવાના હતા તેમાંથી ટોપ્સ ગ્રુપે ૭૦ ટકા સુરક્ષાકર્મીઓ પૂરા પાડ્યા હતા.એમએમઆરડીએ દ્વારા ચૂકવવામાં આવેલા પૈસાનો આંશિક હિસ્સો આરોપીના ખાતામાં પહોંચાડાયો હતો. શિવસેનાએ વિધાનસભ્યની મિલકત પર કરાયેલા દરોડાને રાજકીય બદલાની ભાવનાથી લેવાયેલું પગલું ગણાવ્યું હતું.

૫૬ વર્ષના પ્રતાપ સરનાઇક મહારાષ્ટ્ર વિધાનસભામાં થાણેના ઓવળા-માજિવાડા વિધાનસભા મતદાર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને તેઓ પક્ષના પ્રવક્તા પણ છે.

Share Now