ઇડીએ દક્ષિણ ભારત સ્થિત એક કંપનીના ત્રણ પ્રમોટર્સની ધરપકડ કરી લીધી છે.એગ્રી ગોલ્ડ નામની આ ચિટફંડ કંપનીએ બનાવટી સ્કીમ દ્વારા લાખો રોકાણકારોના આશરે ૬૩૮૦ કરોડ રૂપિયાની ઠગાઇ કરી છે.ઇડી દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ પ્રમોટર્સમાં એ વેંકટ રામરાવ,એ વેંકટ એસ નારાયણ રાવ અને એ હેમા સુંદરા વરા પ્રસાદનો સમાવેશ થાય છે.ઇડીએ આ ત્રણને સમગ્ર સ્કેમમાં મુખ્ય આરોપી પણ બનાવ્યા છે.મુખ્ય આરોપીઓ મની લોન્ડરિંગ સાથે જોડાયેલા હોવાથી આ કાર્યવાહી કરાઇ છે.
દરોડામાં 22 લાખ રૂપિયા રોકડા અને અન્ય સામગ્રી જપ્ત કરાઇ
પ્રીવેંશન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની વિવિધ કલમો અંતર્ગત આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરાઇ છે,બાદમાં તેમને હૈદરાબાદની એક વિશેષ કોર્ટમાં રજુ કરાયા હતા.જેને પગલે કોર્ટે તેમને ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.ઇડીએ ત્રણેય પ્રમોટર્સ અને કંપનીના ઓડિટરના વિજયવાડા અને હૈદરાબાદ સ્થિત અનેક વિસ્તારો પર દરોડા પાડયા હતા અને આશરે ૨૨ લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા હતા. અન્ય જપ્ત કરેલી સામગ્રીમાં પ્રોપર્ટીના દસ્તાવેજો,ડિજિટલ ડિવાઇસ,વિવિધ ફાઇલોનો પણ સમાવેશ થાય છે.
૩૨ લાખ રૂપિયા રોકાણકારો પાસેથી મેળવેલુ ૬૩૮૦ કરોડ રૂપિયાનું ફંડ દબાવી દીધુ
આ આરોપીઓની સામે આંધ્ર પ્રદેશ,તેલંગાણા અને કર્ણાટકમાં અનેક એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી હતી.જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓને ૩૨ લાખ રૂપિયા રોકાણકારો પાસેથી મેળવેલુ ૬૩૮૦ કરોડ રૂપિયાનું ફંડ દબાવી દીધુ હતું.જેને પગલે રોકાણકારોએ પોતાની સાથે છેતરપીંડિ થયાની ફરિયાદો કરવાનંુ શરૂ કરી દીધુ છે.કંપનીના પોંઝી સ્કીમમાં ઓડિશા,તમિલનાડુ,મહારાષ્ટ્ર,અંદામાન તેમજ નિકોબાર અને છત્તીસગઢના લોકોએ પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું.
ઇડીએ જણાવ્યું કે એગ્રી ગોલ્ડ ગુ્રપ ઓફ કંપની દ્વારા મુખ્ય આરોપી એ વેંકટ રામારાવે કરોડો રૂપિયાનું ફંડ મેળવી દબાવી દીધુ અને ધરપકડ કરાયેલા અન્ય બે શખ્સોએ પણ તેને આ કૌભાંડમાં મદદ કરી હતી.ઇડીના જણાવ્યા અનુસાર પોતાના સાત ભાઇઓના સહયોગથી ૧૫૦થી વધુ કંપનીઓનું ગઠન કરવામાં આવ્યું હતું. લોકોને આકર્ષક ઓફર અપાઇ કે મેચ્યોરિટી પર તેમને પ્લોટ અથવા કૃષિ જમીન અથવા વધુ ઉંચુ વ્યાજ પણ પરત આપવામાં આવશે.