
સાપુતારા : ડાંગ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ઓળખવામાં આવતું સબરીધામના સુબિર ખાતે માજી ધારાસભ્યના ફંડમાંથી મંજુર થયેલ પિકઅપ બસ સ્ટેન્ડની ગ્રાન્ટ ભ્રષ્ટાચારીઓ જમી જતા આદિવાસીઓ પિકઅપ સ્ટેન્ડના અભાવે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના સુબિર તાલુકા મથક પર આવેલ પિક અપ બસસ્ટેન્ડ માટે માજી ધારાસભ્ય મંગળ ગાવીતના ફંડમાંથી દોઢ લાખની ગ્રાન્ટ ફળવાઈ હોવાનો ખુલાસો એક જાગૃત નાગરિક દ્વારા માંગવામાં આવેલ જાહેર માહિતી અધિકાર અધિનિયમ હેઠળ બહાર આવવા પામી છે.ગાંધીનગર પત્ર ક્રમાંક વજહ/10 20 18 /514/ય/21 05 2018 ના આદેશ થી ગ્રાન્ટ ફળવાય હતી.તત્કાલીન કોંગ્રેસી ધારાસભ્ય મંગળ ગાવીતે કોંગ્રેસના રાજમાં વિકાસ ન થતો હોવાનું બહાનું બતાવી ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું હતું.તેવામાં તેમના કાર્યકાળમાં સુબિર ખાતે પિકઅપ બસ સ્ટેન્ડની ગ્રાન્ટ કોણ ઓહિયા કરી ગયું તે તપાસનો વિષય બનવા પામ્યો છે.ડાંગના એક જાગૃત નાગરિક દ્વારા ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન તેમની ગ્રાન્ટમાં ક્યાં ક્યાં વિકાસકીય કામો થયાની વિગતો માંગવામાં આવી છે,જેમાં અનેક કામો માત્ર કાગળ પર જ પૂર્ણ કરી દેવાયાંની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે.ત્યારે માજી ધારાસભ્ય મંગળ ગાવીત ભલે કોંગ્રેસમાં વિકાસ થતું નથી નું કારણ આપી રાજીનામું આપ્યું હતું,તો તેમનો વિકાસ કઈ યોજના હેઠળ થયો છે તેની તપાસ થાય તો મસમોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી.