ઈન્ક્મટેક્ષ નોટીસનો જવાબ ન આપતા કરદાતાઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે

277

નવી દિલ્હી તા.25 : આવકવેરા નોટીસોને નહીં ગણકારતા અને ખુલાસા-જવાબ આપવાની પણ તસ્દી ન લેતા કરદાતાઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની ઈન્કમટેકસ વિભાગે તૈયારી શરુ કરી છે.ફેસલેસ એસેસમેન્ટ સીસ્ટમ લાગુ કરી દેવામાં આવી હોવાથી ટેકનોલોજી મારફત કરચોરોની તમામ માહિતી વિભાગ પાસે મૌજૂદ છે અને તેના આધારે દેશવ્યાપી કાર્યવાહી કરવાની તૈયારી છે.

આવકવેરા ખાતાના ટોપ લેવલના સૂત્રોએ જણાવ્યું હતું કે એસએમએસ, ઈ-મેઈલ તથા ફીઝીકલી રીતે હજારો નોટીસો ફટકારવામાં આવી છે.જવાબ કે ખુલાસા ન કરનારા કરદાતાઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે.પ્રથમ તબકકે 6000 કરદાતાઓની યાદી તૈયાર કરવામાં આવી છે.જેઓએ નોટીસોનો જવાબ આપ્યો નથી. વર્તમાન ટેકનોલોજી યુગમાં તેઓ અગાઉની જેમ છટકી શકે તેમ નથી.જવાબ આપવાની દરકાર ન કરનારા કરદાતાઓ વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી દેવામાં આવી જ છે.

સૂત્રોના કહેવા પ્રમાણે આ પ્રકારના કરચોરોની ગરદન પકડીને ટેકસ વસુલાત કરવા ઉપરાંત વધારાના દંડ પણ ફટકારવામાં આવશે.આ અભિયાનની સૌપ્રથમ શરુઆત ગુજરાતના રાજકોટના કેસથી કરવામાં આવી છે.

રાજકોટના આ કેસમાં કરદાતાએ પોતાની વાર્ષિક કમાણી પાંચ લાખથી પણ ઓછી દર્શાવી હતી.પરંતુ બેંક ખાતામાં 10 કરોડ જમા કરાવ્યા હતા અને તેમાંથી 7.50 કરોડ પાછા કાઢયા હતા.આવકવેરા વિભાગે તેને 6 નોટીસ ફટકારી હતી. ઉપરાંત દસ વખત એસએમએસ કરવામાં આવ્યા હતા.પરંતુ તેના તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.જેને પગલે આવકવેરા અધિકારીઓના કાફલાએ રૂબરૂ ત્રાટકીને કાર્યવહી કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આવકવેરા ખાતા પાસે રહેલા રેકર્ડ મુજબના સ્થળે ત્રાટકેલા આયકર તંત્રને ત્યાં બુટીક માલુમ પડયું હતું. કરદાતા પેટ્રોલપંપ સંચાલક હતા.જો કે,રૂબરૂ કાર્યવાહી બાદ કરદાતા આવકવેરા વિભાગ સમય પેશ થઈ ગયા હતા.

સૂત્રોએ એવી માહિતી આપી હતી કે પાંચ લાખની આવક-કમાણી દર્શાવનારા કરદાતા પાસેથી 27 કરોડ અને તેને લગતા વ્યવહારોનો પર્દાફાશ થયો છે.રાજકોટના ધોરણે જ અન્ય 6000 કેસોમાં કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે.

પ્રમાણિક કરદાતાઓને સરળતા; કરચોરોની ખુલી જતી પોલ

આવકવેરા વિભાગના સૂત્રોએ કહ્યું કે ટેકનોલોજી આધારીત નવી સીસ્ટમ સરળ છે અને પ્રમાણીક કરદાતાઓને તેનો ફાયદો થઈ રહ્યો છે.નવા ફોર્મ 26 એએએસ તથા અગાઉ ભરાયેલા આરટીઆર જેવી સુવિધાઓ;થી એક તરફ પ્રમાણીક કરદાતાઓને સરળતા થઈ છે તો બીજી તરફ ગોલમાલ અને કરચોરી કરતા કરદાતાઓ વિરુદ્ધ પગલા ભરવામાં તંત્રને મદદ મળી રહી છે.

Share Now