સરીગામ સ્થિત સર્વાઇવલ ટેક્નોલોજી પ્રા.લીમીટેડ કંપનીને ક્લોઝર નોટીસ , 50 લાખ ભરવા તાકીદ

272

– જમીનમાં જોખમી કેમિકલ વેસ્ટ દાટેલું મળી આવ્યું હતું

સરીગામ : સરીગામ જીઆઇડીસીમાં આવેલી સર્વાઇવલ કંપની પરિસરમાંથી જીપીસીબી 19 ડિસેમ્બરે ખોદકામ કરી જમીનમાં દાટેલા ઝેરી કેમિકલના ડ્રમ શોધી કાઢ્યા હતા.જે અંગેનો રિપોર્ટ વડી કચેરીને કરતા,જીપીસીબીની ગાંધીનગર વડી કચેરીએ સર્વાઇવલ કંપનીને ક્લોઝર ફટકારી તાત્કાલિક અસરથી પાણી અને વીજ જોડાણ કાપી નાખવા આદેશ કર્યો છે.

સરીગામ જીઆઇડીસીના બાયપાસ રોડ નજીક પ્લોટ નં. 1013, 1015, 1017, 1114, 1120 અને 1118માં ફાર્મા ઇન્ટર મીડિયેટનું ઉત્પાદન કરતી સર્વાઇવલ ટેક્નોલોજી પ્રા.લીમીટેડ નામની કંપનીએ જીપીસીબીના નીતિ નિયમને દફનાવી માનવ જીવન જોખમાય તેવી પ્રવુત્તી કરી હાનિકારક કેમિલક વેસ્ટ જમીનમાં દાટી તેનો નિકાલ કરાતો હતો.જે અંગે સરીગામના જાગૃત નાગરિક અને પંચાયત સભ્ય ડો.નીરવ શાહે જીપીસીબીને લેખિત રજુઆત કરી ધ્યાન દોર્યુ હતુ જે બાદ 19 ડિસેમ્બર 2020ના રોજ સરીગામ

જીપીસીબીના અધિકારી રાજેશ મહેતાની હાજરીમાં કંપની પરિસરમાં ખોદકામ કરતા જમીનમાં દાટેલા 200 લીટરના ત્રણ ડ્રમ મળી આવ્યા હતા.ખોદકામમાં દાટેલા ડ્રમ ધડાકાભેર ફાટતા ડ્રમમાંથી ઝેરી ધુમાડો બહાર આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા તો સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો હતો.સરીગામ જીપીસીબીની પ્રાદેશિક કચેરીએ ઉપરોક્ત બાબતે વડી કચેરી ગાંધીનગરને રિપોર્ટ કરતા સર્વાઇવલ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી તાત્કાલિક અસરથી પાણી અને વીજ જોડાણ કાપી નાંખવા
જણાવ્યું હતું.કંપનીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડ લાઈન મુજબ અંદાજીત રૂ 50 લાખની ઈડીસી ભરવા જણાવ્યું છે.

Share Now