– અમિતાના દીકરાને પિતા સાથે જ રાખવામાં આવ્યો
– લાજપોર જેલમાં હાલ 10 જેટલા બાળકો પણ છે
સુરત : સુરતના ઉઘના પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ અમિતા જોશીના આપઘાત કેસમાં માસૂમ વાંક વિના જેલમાં રહી રહ્યો છે.જેલમાં માસૂમ બાળકને તેના પિતા સાથે જ રાખી ઘર જેવું વાતાવરણ આપવાનો જેલ પ્રશાસન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.અમિતાના જોશીના આપઘાત કેસમાં પોલીસ પતિ, સાસુ-સસરા અને બે નણંદો દુષ્પ્રેરણાના ગુનામાં લાજપોર જેલમાં બંધ છે.હવે તેના દીકરાએ પણ પિતા સાથે રહેવાથી જીદ કરતા માસૂમને પણ લાજપોર જેલ ખસેડવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનિય છે કે,અમિતાના પિતા દોહિત્રની કસ્ટડી માટે સેશન્સ કોર્ટમાં આવતીકાલે અરજી કરવાના છે.જ્યારે પાંચેય આરોપીઓ પણ આવતીકાલે જામીન અરજી કરવાના હોવાનું જાણવા મળ્યું છે.
જેલના સ્ટાફે પણ માસૂમ બાળકની તમામ કાળજી લીધી
માતા અમિતાની ગેરહાજરીથી દીકરો તેના પિતા સાથે જેલમાં રહી રહ્યો છે.જેલ પ્રશાસનના જણાવ્યા પ્રમાણે વૈભવ અને તેના પુત્રને અલગ જગ્યાએ રાખવામાં આવ્યા છે.તેને એક ઘર જેવું વાતાવરણ પુરૂ પડાયું છે.જેલના સ્ટાફે પણ માસૂમ બાળકની તમામ કાળજી લીધી છે અને તેની ખાવા-પીવાની તમામ વ્યવસ્થા કરી છે. હાલમાં લાજપોર જેલમાં 10 જેટલા બાળકો પણ છે.જોકે,માસૂમ બાળકની કોણ પણ સાથે મુલાકાત કરાવાઈ નથી અને તેને તેના પિતા સાથે જ અલગ રાખવામાં આવ્યો છે.
સાસરિયાંના ત્રાસ અને પતિના આડાસંબંધથી કંટાળી અમિતાએ આપઘાત કર્યો હતો
ગત 5 ડિસેમ્બરના રોજ ઉધના પોલીસમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અમિતા જોશીએ ફાલસાવાડી ખાતે પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો.સાસરિયાંના ત્રાસ અને પતિના આડાસંબંધથી કંટાળી આપઘાત કર્યો હતો.આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના કેસમાં મહીધરપુરા પોલીસે મૃત્તકના આરોપી પોલીસ પતિ વૈભવ જીતેશ વ્યાસ સહિત સાસરિયાંઓની ગત 23મી ડીસેમ્બરના રોજ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા.જે પૈકી મૃત્તકના આરોપી સસરા જીતેશ ઉર્ફે જીતુ રતીલાલ વ્યાસ,સાસુ હર્ષાબેન, નણંદો મનીષાબેન તથા અંકિતાબેનને રિમાન્ડ ન માંગતા જેલ કસ્ટડીમાં મોકલાયા હતા.જ્યારે પતિ વૈભવના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા બાદ તેની અવધી પૂર્ણ થઇ હતી.વૈભવને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ નહી માંગી કોર્ટે લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડ્યો હતો.
બાળકે રડતા રડતા પોતાના પિતા સાથે જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી
મૃતક પીએસઆઈ અમિતા જોશીના ફરિયાદી પિતા બાબુલાલ જોશીએ માતાની છત્રછાયા ગુમાવનાર માસુમ દોહિત્રનો કબજો સોંપવા માટે કોર્ટમાં માંગ કરી હતી.જેથી અગાઉ પિતાની સાથે રહેવા ટેવાયેલા તથા માતાનું છત્ર ગુમાવનાર માસુમ બાળકને કોર્ટે કોની સાથે રહેવા ઈચ્છે છે તે અંગે ત્રણ વાર પૂછ્યું હતું.જોકે બાળકે રડતા રડતા પોતાના પિતા સાથે જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.જેથી આરોપી પિતા વૈભવ વ્યાસ સાથે માસૂમ બાળકને પણ લાજપોર સેન્ટ્રલ જેલમાં જેલ મેન્યુઅલના નિયમોના પાલન સાથે રાખવા નિર્દેશ આપતો હુકમ કર્યો હતો.