વાપી ડુંગરામાં ફેંકાયેલ કફ સિરપ બોટલની તપાસ ફુડ-ડ્રગ્સને સોંપાઇ

284

– એફએસએલની ટીમે સેમ્પલ લઇ પરિક્ષણ માટે મોકલાવ્યાં

વાપી : વાપીના હરિયાપાર્કમાં શુક્રવારે મોર્નિંગ વોક કરવા નીકળેલા સ્થાનિકો નાળામાં કફ સિરપની ઢગલાબંધ બોટલો જોઇ ચોંકી ઉઠ્યા હતા.હજારોની સંખ્યામાં એમ-ક્રોક્સ કફ સિરપ નાળામાં ફેંકી જનાર એજન્સી સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો.જ્યારે તેની જાણ થતા ડુંગરા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને મુદ્દામાલ કબજે લઇ જાણવા જોગ ફરિયાદ લઇ આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસે એફએસએલને બોલાવી સેમ્પલો આપી દેતા હવે સુરતમાં તેનું પરિક્ષણ થશે.આ કેસમાં હરિયાપાર્ક સ્થિત શ્રીજી એન્ક્લેવ બિલ્ડીંગમાં એસ.એન.ફાર્મા નામની એજન્સીએ આ કૃત્ય કર્યા હોવાનું બહાર આવ્યું હતું.જોકે ફુડ એન્ડ ડ્રગ્સના આસિસ્ટન્ટ કમિશ્નર એન.પી.પુરસાણીથી આ મામલે વાત કરતા તેમણે જણાવેલ કે, એજન્સીથી ભૂલ થઇ છે અને તેઓ સ્વીકારે છે.

સિરપની બોટલો ફરીથી ઉચકી લેવા તેમને જણાવાયું છે.પગલા લેવાની જગ્યાએ એજન્સીથી ભૂલ થઇ છે કહેનારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનેે જ હવે આ કેસ સોંપી દેવાતા તેઓ જવાબદાર વ્યક્તિ સામે કઇ દિશામાં પગલા લેશે તે જોવાનું રહ્યું.બનાવની ગંભીરતા જોઇ શનિવારે જીપીસીબીની ટીમ પણ સ્થળ નિરીક્ષણ કરવા હરિયાપાર્ક પહોંચી હતી.

Share Now