સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) પર સતત સવાલો કરવામાં આવી રહ્યાં છે.મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પછી હવે રિયા ચક્રવર્તીના વકીલ સતીષ માનશિંદેએ પણ એક નિવેદન જાહેર કરીને તપાસના પરિણામો જાહેર કરવાની અપીલ કરી છે.
‘મુંબઈ પોલીસની તપાસને અલગ જ રંગ આપવામાં આવ્યો હતો’
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, રવિવાર (27 ડિસેમ્બર)ના રોજ મહારાષ્ટ્રના ગૃહમંત્રીની અપીલનું સમર્થન કરતાં સતીષ માનશિંદેએ કહ્યું હતું, ‘જ્યારે મુંબઈ પોલીસે તપાસમાં બે મહિના કર્યાં હતાં અને જનતા સમક્ષ રિપોર્ટ આપ્યો નહોતો ત્યારે આ મુદ્દાને અલગ જ રંગ આપવામાં આવ્યો હતો.જુલાઈ 2020માં રિયા ચક્રવર્તી તથા તેના પરિવાર વિરુદ્ધ ખોટા આક્ષેપો મૂકીને પટનામાં FIR ફાઈલ કરવામાં આવી હતી.પટના પોલીસની સાથે સાથે મુંબઈ પોલીસ, ED, NCB તથા CBIએ રિયા વિરુદ્ધ તપાસ કરી હતી.’
રિયાની કોઈ પણ પુરાવા વગર ખોટા કેસમાં ધરપકડ કરી
વધુમાં માનશિંદેએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે NCBએ રિયા ચક્રવર્તીની ખોટા કેસમાં કોઈ પણ જાતના પુરાવા વગર ધરપકડ કરી હતી અને બોમ્બે હાઈકોર્ટમાં જામીન મળે તે પહેલાં એક મહિનો કસ્ટડીમાં રહી હતી.તેમણે હંમેશાં કહ્યું છે કે સત્ય ક્યારેય બદલાશે નહીં,પછી ભલે કોઈ પણ તેની તપાસ કરે.
આ દુઃખદ ઘટનાનું ક્લોઝર આપવામાં આવે
માનશિંદેએ આગળ કહ્યું હતું કે પરિસ્થિતિ કોઈ પણ હોય, CBIએ ચાર મહિનાની તપાસના પરિણામો સાથે સામે આવવું જોઈએ.હવે સમય આવી ગયો છે કે આ દુઃખદ ઘટનાનું ક્લોઝર આપી દેવામાં આવે. સત્યમેવ જયતે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ શું કહ્યું હતું?
રવિવારે, 27 ડિસેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું, ‘તપાસ શરૂ થયે પાંચ મહિનાનો સમય પસાર થઈ ગયો છે, પરંતુ CBIએ હજી સુધી એ સ્પષ્ટતા કરી નથી કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ હતી કે તેણે આત્મહત્યા કરી હતી. હું CBIને અપીલ કરું છું કે તે જલદીથી તપાસના પરિણામો જાહેર કરે.’
સુશાંતના મોતને છ મહિના થયા
14 ડિસેમ્બરના રોજ સુશાંત સિંહ રાજપૂતના મોતને છ મહિના થયા હતા. 14 જૂનના રોજ સુશાંતની ડેડબોડી મુંબઈના બાંદ્રા સ્થિત ભાડાના ઘરમાં મળી આવી હતી. શરૂઆતમાં મુંબઈ પોલીસે આત્મહત્યાનો કેસ માનીને તપાસ શરૂ કરી હતી.જોકે,સુશાંતના પરિવાર,મિત્રો તથા ચાહકોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.
જોકે, AIIMSએ સુશાંતની હત્યા થઈ હોવાની વાતનો ઈનકાર કર્યો છે.તો CBIએ અત્યાર સુધી કોઈ પણ રિપોર્ટ આ કેસમાં રજૂ કર્યો નથી. ED તથા NCB અલગ-અલગ એંગલથી કેસની તપાસ કરે છે.