કોરોનાને ખુલ્લું આમંત્રણ, ચીખલીના ગામમાં સરપંચની હાજરીમાં તુર સ્પર્ધા, આખું ગામ ઉમટ્યું, સોશિયલ ડિસ્ટન્સનો દાટ વાળ્યો, 16ની અટકાયત

304

– તુર હરીફાઈમાં મોટાભાગના લોકો માસ્ક વગર જ હતા

નવસારી : નવસારીના ચીખલીના સારવણી ગામમાં પણ ગઇકાલે રાત્રે આદિવાસી સમાજની વર્ષોથી ચાલી આવતી તુર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના સંક્રમણ અને તેને લગતા નિયમો પ્રત્યે ઉપસ્થિત સૌ કોઇ બેદરકાર જોવા મળ્યું હતું.આ કાર્યક્રમમાં સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.કાર્યક્રમની જાણ થયા બાદ ચિખલી પોલીસે આયોજક વિક્રમ પટેલ,મંડપના માલિક મંગુભાઈ રવજીભાઈ પટેલ અને તુરવાળાની ત્રણ ટીમ મળી કુલ 16 લોકોની અટકાયત કરી ગુનો દાખલ કર્યો છે.

બર્થડે નિમિત્તે તુર હરીફાઈ યોજાઈ હતી

ચીખલીના સારવણી પુન ડુંગરી ગામે રેહતા વિક્રમ ધનસુખભાઈ પટેલનો જન્મ દિવસ હોય તેઓએ જન્મદિન નિમિત્તે તુરી હરીફાઈનો કાર્યક્રમ 26 ડિસેમ્બરે સાંજના સાત થી અગિયાર વાગ્યે દરમિયાન યોજ્યો હતો.આ હરીફાઈની કોઈપણ જાતની પરવાનગી લેવામાં આવી ન હતી.આ હરીફાઈમાં સરકારની કોરોનાની ગાઇડલાઈનના સરેઆમ ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર ઉપસ્થિત રહ્યા હતાં.

સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સારવણી ગામે દર વર્ષે આ તુર હરીફાઈ યોજવામાં આવે છે.આદિવાસી સંસ્કૃતિની જીવંત રાખવામાં માટે વર્ષોથી આ પરંપરા જળવાયેલી છે.જોકે આ વખતે જ્યારે કોરોના સંક્રમણના કારણે સરકાર તરફથી તમામ ધાર્મિક તહેવારો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.તેવામાં તમામ પ્રતિબંધનું ઉલ્લંઘન થતું હોય તેમ સારવણી ગામમાં ગઇકાલે રાત્રે તુર હરીફાઈ યોજાઇ હતી.જેમાં ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.જેમાં મોટાભાગના તો માસ્ક વગર જ હતા અને સોશિયલ ડિસ્ટન્સનું જરા પણ પાલન કરવામાં આવ્યું ન હતું.

કોઈને ખબર ન પડે તે માટે ડુંગર પર સ્પર્ધા યોજાઈ

સારવણી ગામમાં આ તુર હરીફાઇ રાત્રે 10 વાગ્યાની આસપાસ શરૂ થઇ હતી અને મોડી રાત સુધી આ સ્પર્ધા ચાલુ રહી હતી.મહત્વની વાત એ છેકે આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોવાની કોઇને જાણ ન થાય અને સરકારી અધિકારીઓની નજર આ સ્પર્ધા પર ન પડે એ માટે સ્પર્ધાને સારવણી ડુંગર પર યોજવામાં આવી હતી.

વાંસદાના ધારાસભ્યનું આદિવાસીઓને સમર્થન

કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ આ મામલે આદિવાસીઓના સમર્થનમાં આવ્યા છે અને પહેલા તંત્ર ભાજપના થતા વિવિધ કાર્યક્રમો પર જે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેના પર કાર્યવાહી કરે તેવી વાત કરી હતી.હાલમાં જ સુશાસન દિવસ નિમિત્તે જે રીતે ભીડ એકઠી કરવામાં આવી હતી.તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અને કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે કરી હતી.

Share Now