કર્ણાટક યેદીયુરપ્પાની સરકારે ગૌહત્યા વિરોધી વટહુકમને આપી મંજૂરી , ગુનોગારને સાત વર્ષની જેલ અને પાંચ લાખનો દંડ થશે

273

– સોમવારે પ્રધાન મંડળે પ્રસ્તાવ બહાલ રાખ્યો

બેંગાલુરુ તા.29 ડિસેંબર : કર્ણાટક રાજ્ય સરકારે ગૌહત્યા વિરોધી વટહુકમને મંજૂરી આપી હતી.હવે ગૌહત્યાના કેસમાં આરોપી પુરવાર થનારને વધુમાં વધુ સાત વર્ષની જેલ અને /અથવા પાંચ લાખ રૂપિયાનો દંડ થઇ શકે છે.

સોમવારે રાજ્ય પ્રધાન મંડળની બેઠકમાં આ અંગેના પ્રસ્તાવને બહાલી મળી હતી.આ વટહુકમ પર ગવર્નર સહી કરે એટલે એ અમલી બની જશે અને કર્ણાટકમાં ગૌહત્યા એક સજાપાત્ર ગુનો બની રહેશે આમ તો આ પ્રસ્તાવ નવમી ડિસેંબરે રાજ્ય સરકારે રજૂ કર્યો હતો પરંતુ એ પ્રસ્તાવ વિધાન પરિષદમાં અટકેલો પડ્યો હતો એટલે રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડવાનો નિર્ણય લીધો હતો.કર્ણાટકમાં એક મોટો વર્ગ માંસાહારી છે અને ગૌવંશ હત્યા પર પ્રતિબંધ મૂકાય એનો વિરોધ કરી રહ્યો છે.મૂળ પ્રસ્તાવ એ જ કારણે વિધાન પરિષદમાં અટવાયેલો પડ્યો છે.યેદીયુરપ્પાની રાજ્ય સરકાર આ બાબતમાં કશું કરી શકે એવી સ્થિતિમાં નથી એટલે વટહુકમ દ્વારા ગૌહત્યા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ માસની શરૂઆતમાં યેદીયુરપ્પાની સરકારે વિધાનસભામાં કર્ણાટક પ્રિવેન્શન ઑફ સ્લોટર એન્ડ પ્રિઝર્વેશન ઑફ કેટલ બિલ 2020 રજૂ કર્યું હતું.વિધાન પરિષદ બહાલી ન આપે ત્યાં સુધી આ ખરડો કાયદો બની શકે એવી કોઇ શક્યતા નહોતી.આ ખરડામાં ગાય,બળદ,વાછરડા અને ભેંસની કતલ પર પ્રતિબંધ મૂકવાની વાત હતી.હવે વટહુકમ દ્વારા કર્ણાટકમાં બીફ પર પૂર્ણ પ્રતિબંધ આવી જશે.જો કે માંસાહારી લોકો આ વટહુકમને કોર્ટમાં પડકારે તો નવાઇ નહીં.આ વટહુકમમાં પશુઓની ગેરકાયદે હેરાફેરી,ગાયો પર અત્યાચાર અને પશુ વધ કરનારા સામે કડક કાયદેસર પગલાં લેવાની જોગવાઇ છે.આવા કેસ માટે સ્પેશિયલ કોર્ટ સ્થાપવાની પણ જોગવાઇ છે.

રાજ્ય પ્રધાન મંડળની બેઠક પછી સંસદીય બાબતોના ખાતાના પ્રધાન જે સી મધુસ્વામીએ કહ્યું કે કતલખાના પહેલાંની જેમ જ ચાલુ રહેશે અને ભેંસનું માંસ ખાવા પર કોઇ પ્રતિબંધ નથી પરંતુ નવો કાયદો લાગુ પડે કે તરત ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં આવી જશે.

Share Now