ભરૂચ : ભરૂચના સંસદસભ્ય મનસુખ વસાવાએ ગઈ કાલે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ આજે નાટકીય રીતે રાજીનામું પરત ખેંચી લીધું હતું.તેમણે વનપ્રધાન ગણપત વસાવા અને મુખ્ય પ્રધાન રૂપાણી સાથે મુલાકાત કરી હતી. તેમણે સંવાદદાતાઓ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મેં મારું સ્વાથ્ય સારું રહેતું ન હોવાથી રાજીનામું આપ્યું હતું.ખરાબ સ્વાસ્થ્યને કારણે ભરૂચ મતવિસ્તારમાં પ્રવાસમાં તકલીફ પડતી હતી.વળી,હું સંસદસભ્ય રહીશ તો સરકારી ખર્ચે મારી સારવાર થશે, એમ તેમણે કહ્યું હતું.
ગઈ કાલે રાજીનામું આપનારા સંસદસભ્ય મનસુખ વસાવા મુખ્ય પ્રધાન રૂપાણીને મળ્યા હતા.તેઓ લગભગ અડધો કલાક સુધી વનપ્રધાન ગણપત વસાવા સાથે વાતચીત કરી હતી.આ સમયે તેમણે કોઈ પણ પ્રકારની રાજકીય સોદાબાજી થઈ હોવાનો ઇનકાર કર્યો હતો.
પાર્ટી કે સરકાર સાથે કોઈ મતભેદ નથી.જ્યારે મેં મારા મતવિસ્તારના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી છે,ત્યારે તેનો સરકાર ઉકેલ લાવી છે.ગઈકાલે સાંસદ વસાવાના રાજીનામા બાદ પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમાર તેમને મળવા પહોંચ્યા હતા અને તેમની સાથે બંધબારણે બેઠક કરી હતી.આ બેઠકમાં જિલ્લા પ્રભારી સતીશ પટેલ પણ જોડાયા હતા.
આ પહેલાં વસાવાએ નાદુરસ્ત તબિયતને કારણે રાજીનામું આપ્યું હોવાનું કહ્યું છે.તેમણે કહ્યું હતું કે ઘણા સમયથી મારી તબિયત સારી રહેતી નથી.કમરમાં દુઃખાવાને કારણે નાના મગજ પર અસર થઈ છે.વસાવાને મનાવવા માટે ઇકો સેન્સિટિવ ઝોન અંગે સરકાર મોટો નિર્ણય લઈ શકે છે.