મુંબઇ તા. ૩૦ : વર્ષ ૨૦૧૭-૧૯ દરમિયાન દેશમાં પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફન્સીસ (પોકસો) એકટ અંતર્ગત મહારાષ્ટ્ર રાજયમાં સૌથી વધારે કેસ નોંધાયા હતા, જયારે સમગ્ર સર્વેક્ષણમાં સૌથી ચોંકવાનારી બાબત એ હતી કે ૧૬થી ૧૮ વર્ષની વચ્ચેના બાળકો સાથે ૨૦૧૯માં ૧,૬૦૦ કેસ નોંધાયા હતા,એમ એનસીઆરબીના અહેવાલમાં જણાવાયું હતું.
પોકસો અંતર્ગત મહારાષ્ટ્રમાં ૮,૫૦૩ જેટલા કેસ નોંધાયા હતા, અંદાજે પચાસ ટકા કિસ્સામાં સગીરને ઓનલાઈન સંપર્ક કરીને વ્યકિતઓને મળવા માટે લલચાવવામાં આવ્યા હતા અને પછી તેમની જાતીય સતામણી અથવા તો લગ્નની લાલચે શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હોવાનું સર્વેક્ષણમાં જણાવ્યું હતું.જોકે નાની ઉંમરમાં કોઈની સાથે શારીરિક સંબંધ બાંધવાની બાબત પણ કાયદેસર રીતે બળાત્કાર ગણાવવી જોઈએ,એવું સૂત્રોએ જણાવ્યું હતું.
પોકસો અંતર્ગતના દેશના વિવિધ રાજયમાં નોંધાયેલા કેસ પૈકી મહારાષ્ટ્રમાં ૮,૫૦૦થી વધુ કેસ નોંધાયા હતા,ત્યારબાદ ૬,૮૭૮ ઉત્તર પ્રદેશ, ૫,૩૪૮ મધ્ય પ્રદેશ, ૪,૩૩૯ કર્ણાટક તથા ૪,૨૨૮ ગુજરાતમાં કેસ નોધાયા હતા.
પોકસો અંતર્ગતના આરોપીમાં પરિવારના સભ્ય,ફેમિલી ફ્રેન્ડ્સ,પડોશી સહિત અન્ય વ્યકિતનો સમાવેશ થતો હતો.મહારાષ્ટ્ર રાજયમાં પોકસો અંતર્ગતના કેસમાં નિરંતર વધારો થયો છે, જેમાં ત્રણ વર્ષ એટલે ૨૦૧૭માં ૨,૩૯૮, ૨૦૧૮માં ૨,૯૪૪ અને ૨૦૧૯માં ૩,૧૬૨ કેસ નોંધાયા હતા,જયારે ૧૬થી ૧૮ વર્ષ વચ્ચેની ઉંમરના સૌથી વધુ કેસ નોંધાયા હતા,જેમાં ૨૦૧૯માં ૧,૬૦૦, ૨૦૧૮માં ૧,૪૯૧ તથા ૨૦૧૭માં ૧,૧૬૨ નોંધાયા હતા,ત્યારબાદ ૧૨થી ૧૬ વર્ષ, છથી ૧૨ વર્ષ તેમ જ છ વર્ષથી નીચેના સમાવેશ થાય છે.