વર્ક ફ્રોમ હોમને કારણે ઓફિસની માંગ 2020માં 44 ટકા ઘટી

252

– ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં ઓફિસ સ્પેસ ડિમાન્ડ 52 ટકા વધીઃ જેએલએલનો રિપોર્ટ

નવી દિલ્હી : પ્રોપર્ટી કન્સલ્ટન્સી ફર્મ જેએલએલ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર દેશના સાત મોટા શહેરોમાં કેલેન્ડર વર્ષ 2020માં નેટ ઓફિસ સ્પેસ લીઝિંગ 44 ટકા ઘટીને 2.58 કરોડ ચોરસ ફૂટ થયું હતું. કંપનીઓએ તેમની વિસ્તરણ યોજના હાલપૂરતી પડતી મૂકી હતી અને કોરોનાકાળમાં તેમના કર્મચારીઓ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ પોલિસી અપનાવી હતી.જોકે પોઝિટિવ બાબત એ રહી કે વર્ષના અંતમાં ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં ઓફિસ સ્પેસ ડિમાન્ડ 52 ટકા વધી હતી. આ ગાળામાં માંગ 82.7 લાખ ચોરસ ફૂટની થઈ હતી,જે ગત વર્ષે આ ગાળામાં 54.3 લાખ ચોરસ ફૂટની હતી.

દિલ્હી-એનસીઆર,મુંબઈ,ચેન્નઈ,કોલકાતા,હૈદરાબાદ,પુણે અને બેંગલુરુ એ સાત શહેરોમાં નેટ ઓફિસ સ્પેસ લીઝિંગ 2019માં 4.65 કરોડ ચોરસ ફૂટ થયું હતું. જાન્યુઆરી-માર્ચના ગાળામાં ઓફિસ સ્પેસ લીઝિંગ 88 લાખ ચોરસ ફૂટ રહ્યું હતું,જે ઘટીને બીજા ક્વાર્ટર(એપ્રિલ-જૂન)માં 33.2 લાખ ચોરસ ફૂટ થયું હતું.કારણ કે આ દરમિયાન દેશભરમાં લોકડાઉન હતું. 2019માં અત્યાર સુધીમાં સૌથી વધુ 4.6 કરોડ ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ લીઝિંગ થયું હતું.આમ,ઊંચા બેઝની અસર અને કોરોનાકાળને લીધે નબળી માંગની અસરના ડબલ મારને કારણે માંગ ચાલુ વર્ષે 44 ટકા ઘટી હતી.

જેએલએલના રિપોર્ટ અનુસાર કોરોનાને કારણે કોર્પોરેટ ક્ષેત્રે અનેક પરિવર્તન આવી ગયા છે જેને કારણે ઓફિસ રિયલ એસ્ટેટ માર્કેટ પર સૌથી વધારે અસર થઈ છે. કંપનીઓએ ખર્ચ ઘટાડવા માટે વર્ક ફ્રોમ હોમની પોલિસીનો વિકલ્પ અપનાવ્યો.આ વિકલ્પ સફળ જણાતા કંપનીઓ માટે નવા અવસર અને નવા પડકારો આવ્યા હતા.અગાઉ એવું લાગતું હતું કે ભારતમાં વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ કામ નહીં કરે.પરંતુ થયું ઊલટું.તેને કારણે વધુ ને વધુ કંપનીઓએ આ કન્સેપ્ટ અપનાવી લીધો.જોકે જેએલએલે કહ્યું હતું કે તેમ છતાં આ કાયમી ઉકેલ તો નથી જ.ભારતમાં એક મોટો વર્ગ એવો છે જે હજી પણ સંયુક્ત પરિવારમાં રહે છે.જેને કારણે લાંબા ગાળા માટે આ કદાચ શક્ય નહીં બને.

રિપોર્ટ અનુસાર વર્ક ફ્રોમ હોમને કારણે ઓફિસ માર્કેટની માંગ પર મધ્યમથી લાંબા ગાળે મહત્તમ 20 ટકા જેવી અસર જોવા મળશે.હેલ્થકેર,ઈ-કોમર્સ અને ડેટા સેન્ટર જેવા ઝડપી વૃદ્ધિ રતા સેક્ટરમાં ઓફિસ સ્પેસની માંગ વધશે જે કેટલાક સેક્ટરમાં ઘટેલી માંગ અમુક અંશે સરભર કરી આપશે.બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો કેટલાક અંશે કાયમી થઈ જશે જેને કારણે અગાઉ કરતાં મોટી ઓફિસનું પ્રમાણ વધશે અને કેટલીક નાની ઓફિસને મોટી કરવામાં આવશે જે – માંગ વધારી શકે છે.

Share Now