પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચુંટણીમાં યેનકેન પ્રકારે ભાજપ અને મમતા જીત મેળવવા માગે છે.આ જીત હાંસલ કરવા માટે કાવાદાવાની શરૂઆત થઈ ચુકી હોય એવું સ્થાનિકો તેમજ નિષ્ણાતોનું કહેવું છે.આજે ગુરુવારે તૃણમૂલ કોંગ્રેસના એક મોટા નેતા જનરલ સેક્રેટરી વિનય મિશ્રાનાં ઘર અને ઓફિસ પર આજે સવારે સીબીઆઈની ટુકડીઓએ દરોડા પાડ્યા હતા.મમતા બેનરજીના ભત્રીજા અભિષેકના ખાસ અંગત સંબંધી એવા આ વિનય મિશ્રાને ત્યાં દરોડાની કાર્યવાહી શરૂ થતાં પશ્ચિમ બંગાળનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
તૃણમૂલ કોંગ્રેસના નેતા વિનય મિશ્રા પશુઓની દાણચોરીના કૌભાંડમાં સંડોવાયેલા છે અને તેને લઈને સીબીઆઇની ટુકડીએ આજે દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી અને કેટલાક મહત્વના દસ્તાવેજો પણ કબજે કર્યા હતા.મિશ્રાની સામે લૂકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા વિનય મિશ્રાના એક નહીં બલ્કે અનેક સ્થળો પર દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.ભારત અને બાંગ્લાદેશ સીમા પર મોટા પ્રમાણમાં પશુઓની દાણચોરી કરવામાં આવે છે અને આમાં કેટલાક લોકોની અગાઉ ધરપકડ પણ થઈ છે.
સીબીઆઇની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે પશુઓની આ ગેરકાયદેસરની દાણચોરીમાં બીએસએફના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કસ્ટમ ખાતાના કેટલાક અધિકારીઓની પણ સંડોવણી છે અને દાણચોરોને એમના તરફથી સહાયતા મળી છે.મમતા બેનરજીના ભત્રીજાના ખાસ માણસને ત્યાં સીબીઆઈના દરોડા બાદ રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે અને બેઠકોના દોર શરૂ થઈ ગયા છે.આમ પ્રકરણમાંથી આગળ જતા વધુ કેટલાક કડાકા-ભડાકા થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.