મુંબઈ : દાયકા પૂર્વે મુંબઈ શહેરમાં સ્કાયવૉક બાંધવાની શરૂઆત બાંદરા (ઈસ્ટ)ના સ્કાયવૉક સાથે કરવામાં આવી.શહેરના એ પહેલા સ્કાયવૉકમાં માળખાકીય નબળાઈઓ દૂર કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ સમારકામને બદલે નવેસરથી બાંધકામનો વિકલ્પ પસંદ કર્યો છે.વર્ષ ૨૦૦૮માં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટીએ બાંધેલા આ બ્રિજના નવા બાંધકામમાં હાઇવેની સામેની બાજુ કલાનગર તરફનો ભાગ નવા બાંધકામમાં રદ કરવામાં આવ્યો છે.બાંદરા રેલવે સ્ટેશનથી શરૂ થઈને બાંદરા કોર્ટ (હાઇવે પાસે) આ સ્કાયવૉક પર પૂર્ણવિરામ મુકાઈ જશે.નિષ્ણાતોના અહેવાલ સાથે મહાનગરપાલિકાના અધિકારીઓના મતભેદો અને બાંધકામના ભારે ખર્ચ વચ્ચે હાલપૂરતું બાંધકામ ટૂંકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બ્રિજ પ્રવાસીઓ માટે અસુરક્ષિત જણાતાં દોઢેક વર્ષથી એ બંધ કરવામાં આવ્યો છે.વીરમાતા જિજાબાઈ ટેક્નૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાતોએ વર્ષ ૨૦૨૦ની ૨૦ જાન્યુઆરીએ સુપરત કરેલા સ્ટ્રક્ચરલ ઑડિટના રિપોર્ટમાં સમારકામનું સૂચન કરવામાં આવ્યું હતું.પરંતુ મુંબઈ મહાનગરપાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટે હાલનો બ્રિજ તોડીને નવો બ્રિજ બાંધવાની ભલામણ કરી હતી.એ ડિપાર્ટમેન્ટે ૨૦૨૦ના માર્ચ મહિનામાં સુપરત કરેલા અહેવાલમાં એવો અભિપ્રાય આપ્યો હતો કે સમારકામમાં ખર્ચ વધશે અને એને બદલે નવેસરથી બાંધતાં સ્કાયવૉક લાંબો વખત ટકી શકશે.
ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર પી. વેલારાસુએ જણાવ્યું હતું કે ‘બાંદરા (ઈસ્ટ)ના સ્કાયવૉક વિશે હજી નિર્ણય લેવાયો નથી, પરંતુ બ્રિજ નવેસરથી બંધાશે તો એનું આયુષ્ય ૪૦ વર્ષનું થશે. સમારકામનો ખર્ચ ૭ કરોડ રૂપિયા અને નવા બાંધકામનો ખર્ચ ૧૫ કરોડ રૂપિયા થાય છે.અત્યાર સુધી હતો એટલો ૧.૩ કિલોમીટર લાંબો સ્કાયવૉક બાંધવાનો ખર્ચ ૫૦ કરોડ રૂપિયા થાય છે.બ્રિજની એક શાખા કલાનગર તરફ અને એક શાખા સીધી હાઇવે-કોર્ટ સુધી જાય છે.હાલમાં ફક્ત કોર્ટ સુધી જતો ભાગ બાંધવાનું નક્કી કર્યું છે. આખરી નિર્ણય બાકી છે.’
બીકેસી હીરાબજારમાં જનારાઓ માટે ખુશખબર
છેલ્લાં દોઢ વર્ષથી આ સ્કાયવોક બંધ હોવાથી બીકેસી હીરાબજારમાં જનારાઓને સ્કાયવોકની નીચે રસ્તા પર ટ્રાફિકમાંથી જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, પણ હવે એક વખત આ બની જશે પછી પહેલાંની જેમ ફરી એકવાર હાઈ વે સુધી તેનો ઉપયોગ કરવા મળશે.