નવસારી : નવસારી અને તાપી જિલ્લાની હદે આવેલા પાઠકવાડી ગામે તાપી પોલીસ ચેકપોસ્ટ પર આજુબાજુના ગામોના આદિવાસી પ્રજા અને ખેડૂતોને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ થતી હોવાની સ્થાનિકો દ્વારા વાંસદા-ચીખલીના ધારાસભ્યને મૌખિક રજૂઆત કરાઇ હતી.ઉનાઈ નવસારી જિલ્લાનું છેવાડાનું ગામ છે.ઉનાઈ અંબિકા નદીનો પુલ પાસ કરતા જ તાપી જિલ્લાની હદ શરૂ થતી હોય છે,જેના કારણે તાપી પોલીસે લોકડાઉનમાં સઘન ચેકિંગ કરવા પાઠકવાડી ગામ પાસે ચેકપોસ્ટ ઉભું કર્યું છે.હાલમાં પણ આ ચેકપોસ્ટ કાર્યરત છે.
જોકે ઉનાઈ ગામમાં તાપી જિલ્લાના અનેક ગામોના મધ્યમવર્ગી આદિવાસીઓ મજૂરીકામ અર્થે તથા ખેડૂતો શાકભાજી વેચવા તેમજ ધંધાદારીઓ સહિત સ્થનિક પ્રજા જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા ઉનાઈ અવરજવર કરતા હોય છે.તાપી જિલ્લાના ઉનાઈ નજીકના ગામોના લોકોને ઉનાઈ આવવા પાઠકવાડીથી માત્ર અડધો કિલોમીટર હોય સ્થાનિક પ્રજા ઉનાઈમાં જીવનજરૂરી ચીજવસ્તુ લેવા આવતા હોય છે.ઘણાં સમયથી સ્થાનિક પ્રજા દ્વારા પાઠકવાડીમાં ડોલવણ પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઉભુ કરવામાં આવ્યું હોય જ્યાં સ્થાનિક લોકોને પોલીસ દ્વારા હેરાનગતિ થતી હોવાની રાવ ઉઠી છે.
જેના કારણે સ્થાનિકોએ અડધો કિલોમીટર ઉનાઈ આવવાની જગ્યાએ આઠ કિલોમીટર ડોલવણ જવાની ફરજ પડી રહી હોય જેના કારણે સ્થાનિકોને સમયનો વેડફાટ અને ઇંધણ પણ વધુ બળતું હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જેને પગલે ઉનાઈ ગામના વેપાર-ધંધા પણ પડી ભાંગ્યા છે.
જેથી આ બાબતે વાંસદા-ચીખલી ધારાસભ્ય અનંત પટેલને ઉનાઈના સ્થાનિકો તેમજ આજુબાજુના ગામોના લોકો દ્વારા મૌખિક ફરિયાદ કરવામાં આવતા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ડોલવણ પીએસઆઈ મોરીને આ બાબતે ટેલિફોનિક જાણ કરી આ બાબત ગંભીરતાથી લઇ યોગ્ય નિરાકરણ કરવા જણાવ્યું હતું. જો આનું યોગ્ય નિરાકરણ ન કરવામાં આવે તો આવનાર દિવસોમાં વાંસદા-ચીખલી ધારાસભ્ય અનંત પટેલે ઉગ્ર આંદોલન તેમજ ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
યોગ્ય નિરાકરણ ન થાય તો ચેકપોસ્ટ બંધ કરવા ધરણાં પ્રદર્શન કરાશે
પાઠકવાડી ગામની આજુબાજુના ગામોના લોકો ઉનાઈમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા આવતા હોય છે,જેના કારણે ઉનાઈ ગામના વેપાર-ધંધા ચાલતા હોય છે.ચેકપોસ્ટ પર પોલીસની હેરાનગતિને કારણે લોકો ઉનાઈ તરફ ન આવતા અનેક લોકોના વેપાર-ધંધાને અસર થઈ છે.જેનું યોગ્ય નિરાકરણ ન થાય તો આવનાર દિવસોમાં ચેકપોસ્ટ બંધ કરવા ધરણાં પ્રદર્શન કરાશે.- અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી