વલસાડમાં APMC હવે અઠવાડિયે એક દિવસ બંધ રાખવા વેપારીઓનો નિર્ણય

244

– સતત કાર્યરત રહેતાં વેપારીઓ,મજૂરોને રાહત માટે પગલું

વલસાડ : વલસાડ તાલુકાના કેરી,ચીકુના ખેડૂતો અને વેપારીઓ માટે બેચર રોડ ઉપર આવેલી એપીએમસી માર્કેટ આખું વર્ષ કાર્યરત રહેતાં તેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે.વર્ષના 365 દિવસ ચાલૂ રહેતી આ માર્કેટ હવે અઠવાડિયામાં 1 દિવસ એટલે કે દર શુક્રવારે બંધ રાખવા એસોસિએશનના વેપારીઓએ સર્વાનુમતે નિર્ણય લીધો છે.માર્કેટના 40 વર્ષના ઇતિહાસમાં આ નિર્ણય પ્રથમવાર લેવાયો છે.

વલસાડની APMC માર્કેટમાં દોઢસોથી વધુ વેપારીઓ વિવિધ પ્રકારના ફળફળાદિ જેમાં ખાસ કરીને કેરી અને ચીકુનો વેપાર મહદઅંશે થાય છે.ખેડૂતો માર્કેટમાં આ ઉત્પાદન લાવીને તેનું ખરીદ વેચાણની પ્રક્રિયા અત્રેથી કરવામાં આવે છે.ગુજરાત રાજ્યમાં આવેલી એપીએમસી માર્કેટો અઠવાડિયામાં 1 દિવસ બંધ રહે છે,પરંતું વલસાડની એપીએમસી માર્કેટમાં આવો કોઇ ધારો ન હોવાથી સતત ચાલૂ રહે છે.

આ મુદ્દે એમપીએમસી માર્કેટના મર્ચન્ટ અન્ડ કમિશન એજન્ટ એસોસિએશનની બેઠક મળી હતી.જેમાં પ્રમુખ નરેન્દ્ર પટેલ,ઉપપ્રમુખ નરેશ બલસારી, કમલેશ તિવારી, જતિન પટેલ,અન્ય હોદ્દેદારો અને સભ્યો વચ્ચે ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી.જેના અંતે આ એપીએમસી માર્કેટના વેપારીઓ,મજૂરો,કામદારોને ખેડૂતોના માલની ખરીદી વેચાણના વ્યવસાયમાં સરળતા રહે અને માર્કેટમાં કામ કરતા શ્રમિકો તથા વેપારીઓને પણ રાહત મળે તેવા આશયથી હવે વલસાડ એપીએમસી માર્કેટ અઠવાડિયામાં 1 દિવસ શુક્રવારે બંધ રાખવા મહત્વનો નિર્ણય લેવાયો હતો.વેપારી એસો.ની બેઠકમાં થયેલા આ ઠરાવ અંગે વલસાડ એપીએમસી માર્કેટના સેક્રેટરીને પત્ર દ્વારા જાણ કરી દેવામાં આવી છે.

એસોસિએશનના સભ્યો અને તમામ મોટા વેપારીએ આ નિર્ણયને વધાવ્યો

વલસાડ અપીએમસની માર્કેટ દર શુક્રવારે બંધ રાખવાના ઠરાવને એસોસિએશનના સભ્યો અને ફ્રુટના વેપારીઓએ ટેકો આપી આવકાર્યો છે.માર્કેટના અગ્રણી વેપારી આર.આર.મિશ્રા,અરૂણ ત્રિપાઠી,અજીત શાહ,મહાદેવ દેસાઇ,આશિષ તિવારી,વિશાલ મનહરભાઇ નિર્ણયને ઉત્સાહભેર વધાવ્યો હતો.જેનાથી તમામ વેપારીઓ,મજૂરો,કામદારોને કામગીરીમાં સરળતા અને રાહત મળશે.

Share Now