– સ્ક્રેપના ધંધાની અદાવતમાં હત્યા કરવામાં આવી હતી
દમણ : દમણના ચકચારિત ડબલ મર્ડર કેસના અંદાજે બે વર્ષ પછી વધુ એક આરોપી કોર્ટમાં હાજર થતાં પોલીસે ધરપકડ કરી હતી.અગાઉ આરોપી આગોતરા જામીન માટે સુપ્રિમ કોર્ટમાં ગયો હતો જ્યા કોર્ટે જામીન અરજી નામંજૂર કરીને બે સપ્તાહમાં હાજર થવા આદેશ કર્યા હતા.
ડાભેલ સ્થિત વિશાલ બારમાં 1એપ્રિલ 2018ની રાત્રીએ અજાણ્યા ઇસમોએ આડધેડ ફાયરિંગ કરીને ભીમપોરના અજય પટેલ સહિત બે યુવકની હત્યા કરી હતી. આ કેસની પોલીસ તપાસમાં દમણ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલની સંડોવણી બહાર આવી હતી.
સુખા પટેલે ધંધાની અદાવતમાં સોપારી આપી હત્યા કરાવી હોવાનું તપાસમાં ખુલતાં જ ગત વર્ષે માર્ચ માસમાં તેમની ધરપકડ કરી હતી.જોકે,હત્યામાં સુખા પટેલનો વલસાડના ડુંગરીગામે રહેતો સાળો કેતન પટેલ ઉર્ફે ચકાની સંડોવણી પણ બહાર આવતા ધરપકડ પૂર્વે તેમણે સુપ્રિમ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે કોર્ટે માન્ય ન રાખીને બે સપ્તાહમાં હાજર થવા આદેશ કર્યા હતા. 28મી ડિસેમ્બરે આરોપી કેતન ઉર્ફે ચકા પટેલ દમણની કોર્ટમાં હાજર થયો હતો.પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ લઇ તપાસ હાથ ધરી હતી.
બે વર્ષ અગાઉની આ ચકચારી ડબલ મડર કેસમાં અત્યાર સુધીમાં પોલીસે સાપ સુટર સહિત 10થી વધુ આરોપીની ધરપકડ કરી છે.ભંગારના ધંધાની અદાવતમાં સાપ સુટરોને સોપારી આપીને હત્યા કરવામાં આવી હતી.ગત માર્ચ માસમાં દમણ જિલ્લા પંતાયતના માજી પ્રમુખ સુરેસ ઉર્પે સુખા પટેલને દમણ પોલીસ પંજાબના માહોલીથી ઝડપી લાવી હતી.આમ દમણ પોલીસે એક પછી એક કળી મેળવીને તમામ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.જોકે,આ કેસનો આરોપી કેતન ઉર્ફે ચકા પટેલ આગોતરા જામીન માટે કોર્ટમાં ગયા હોવાથી તેની ધરપકડ થઇ શકી ન હતી. કોર્ટના આદેશ બાદ તેઓ કોર્ટમાં હાજર થયા હતાં.