આહવા TDOની મનસ્વી કાર્ય પદ્ધતિ સામે સરપંચની ફરિયાદ

327

– વિકાસ કમિશનર અને કલેકટરને યોગ્ય કરવા અનુરોધ

ડાંગ : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતનાં ટીડીઓ મનસ્વી રીતે કારોબાર ચલાવી વિકાસકીય કામોમાં ખોટી રીતે રૂકાવટ ઉભી કરતા હોવાનો આક્ષેપ કરી આહવા ગ્રામ પંચાયતનાં સરપંચે વિકાસ કમિશ્નર ગાંધીનગર,ડાંગ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી તાલુકા વિકાસ અધિકારી સામે કાર્યવાહીની માંગ કરી છે.આહવા ગ્રામ પંચાયતનાં સરપંચ હરિરામભાઈ સાંવતે આહવા તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ વિકાસ કમિશ્નર ગાંધીનગર,ડીડીઓ અને કલેક્ટરને લેખિત ફરિયાદ આપી હતી.

જેમાં જણાવ્યા મુજબ ડાંગ જિલ્લાની આહવા ગ્રામ પંચાયત દ્વારા 14માં નાણાપંચ અંતર્ગત 2019 અને 2020નાં વિકાસકીય કામો કરવામાં આવ્યા છે.સરકારનાં 14માં નાણાપંચની મૂળ ગાઈડલાઈન મુજબ નિધિની રકમ સીધી ગ્રામ પંચાયતનાં ખાતામાં જમા થાય છે તથા વી.ડી.પી.પ્રમાણે અગ્રતાનાં ધોરણે જરૂરિયાતવાળા કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી મેળવી કામની ચૂકવણી કરવાની જોગવાઈ છે,તેમ છતાં આ ગાઈડલાઈનમાં કોઈ જોગવાઈ ન હોવા છતાં આહવાના આયોજન સહ ટીડીઓ દ્વારા તેમની મંજૂરી લેવાની પ્રથા પાડી છે.

આ ટીડીઓ તરફથી કામો પૂર્ણતાનું પ્રમાણપત્ર મેળવ્યું હોવા છતાં પૂર્ણ કામો પેટે ચૂકવણી કરવા જાણી જોઈને મંજૂરી આપતા નથી,જેના કારણે મજૂરોને મજૂરીની રકમ ચૂકવાઈ નથી અને મજૂરોની હાલત કફોડી બની છે.વધુમાં તેમની સાથે મનસ્વી વ્યવહાર કરી અંગત લાભ મેળવવાના હેતુથી કાવાદાવા ચલાવી યેનકેન પ્રકારે હેરાનગતિ કરી રહ્યા છે.આ ઉપરાંત ટીડીઓ સી.ડી.તબિયાડનું વર્તન ઉદ્ધતાઈભર્યું છે.

સરપંચની ફરિયાદ અંગે મને જાણ નથી

આહવા ગ્રામ પંચાયતના સરપંચે મારી સામે ફરિયાદ કરી છે જેની મને જાણ નથી. હાલના સરપંચ હરિરામ સાવંત અને માજી સરપંચ રેખાબેન વચ્ચે કોઈક બાબતે વિવાદ છે,જેમનો ઝઘડો ચાલી રહ્યો છે. – સી.ડી.તબિયાડ, ટીડીઓ, આહવા

Share Now