નાગરિકતાનો પુરાવો ના હોય તો પણ માહિતીની અરજી નકારી શકાશે નહીં

273

– સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનના ચૂકાદાને આધિન રાઇટ ટુ ઇન્ફર્મેશન હેઠળ કરવામાં આવેલી પ્રત્યેક અરજીમાં જવાબ આપવાનો રહેશે

નાગરિકતાનો પુરાવો ન હોય તો પણ માહિતી અધિકાર હેઠળ માગવામાં આવેલી અરજીની માહિતી આપવાની રહેશે તેવો ચૂકાદો સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશને આપ્યો છે.કમિશને કહ્યું છે કે નાગરિકત્વનો પુરાવો ન અપાય તો પણ માહિતીને નકારી શકાશે નહીં. કેન્દ્રના માહિતી કમિશનર વણજા એન સરનાએ આરટીઆઇ એક્ટની કલમ-3 હેઠળ આ આદેશ કર્યો છે.

કોઇપણ વ્યક્તિ જ્યારે માહિતી માગતી હોય તો દર વખતે તેની નાગરિકતા સાબિત કરવાની રહેશે તેવું અગાઉ સૂચિત કરવામાં આવ્યું હતું.એવી હજારો અરજીઓ આવી હતી કે જેમાં ભારતીય નાગરિક છો કે કેમ તે સાબિત થઇ શક્યું નથી તેથી આવી અરજીઓની માહિતી આપવામાં આવી ન હતી.હવે ભારતીય નાગરિક હોવાના પ્રમાણપત્ર વિના પણ માહિતી મેળવી શકાશે.

આ નવો આદેશ કરવાનું મુખ્ય કારણ એવું હતું કે ઉત્તરપ્રદેશના લખનૌની સૈન્ય એન્જીનિયરીંગ સર્વિસિઝ પાસેથી માહિતી માગવામાં આવી હતી ત્યારે જાહેર માહિતી અધિકારી એ કોઇપણ માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો,કારણ કે આરટીઆઇની અરજી કરનાર વ્યક્તિએ તેની ભારતીય નાગરિકતાનો પુરાવો આપ્યો ન હતો.

આ આદેશને સીમાચિહ્નરૂપ ગણાવતા આરટીઆઇ એનજીઓએ કહ્યું હતું કે ગુજરાતમાં પણ એવા ઘણાં કિસ્સા બન્યાં છે કે જેમાં અરજી કરનારની નાગરિકતા પુરવાર થઇ નથી.એટલે કે અરજી કરનારા નાગરિકે ભારતીય હોવાનો કોઇ પુરાવો આપ્યો ન હતો.આ નાગરિકોની અરજીને રદ્દ કરી માહિતી આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો.તાજેતરમાં જ એક ઘટના સામે આવી હતી જેમાં ગુજરાત યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ આરટીઆઇ હેઠળ ઉત્તરવહીની નકલ માગી હતી પરંતુ જાહેર માહિતી અધિકારીએ અરજી સાથે નાગરિકતાનો પુરાવો માગીને માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.જો કે હવે પ્રત્યેક વ્યક્તિ આરટીઆઇ હેઠળ માહિતી માગી શકે છે.સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનનો આદેશ રાજ્યોના ઇન્ફર્મેશન કમિશનને લાગુ પડશે.

Share Now