લખનૌ, તા. 5 જાન્યુઆરી : યુપીના રાયબરેલી જિલ્લામાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં મુસ્લિમમાંથી ધર્મ પરિવર્તન કરીને હિન્દુ બનનાર વ્યક્તિનુ ઘર સળગાવી દેવામાં આવ્યુ છે.જ્યારે આગ લગાડાઈ ત્યારે આખો પરિવાર ઘરમાં જ હતો.ઘરના સભ્યો જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવી શક્યા હતા પણ આખુ ઘર આગના હવાલે થઈ ગયુ હતુ.પોલીસનુ કહેવુ છે કે, આખા વિસ્તારમાં પોલીસ તૈનાત કરાઈ છે અને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જેનુ ઘર સળગાવી દેવાયુ તેનુ નામ દેવપ્રકાશ છે.આ પહેલા તેનુ નામ અનવર હતુ.સપ્ટેમ્બર 2020માં તેણે પરિવાર સાથે ધર્મ પરિવર્તન કર્યુ હતુ.જે તેના ગામના કેટલાક લોકોને પસંદ આવ્યુ નહોતુ.પોલીસે ગામના પૂર્વ સરપંચ અને તેના સાથીદારો સામે આગ લગાડવાની ફરિયાદ નોંધી છે.
દેવપ્રકાશે કહ્યુ હતુ કે, પૂર્વ સરપંચ મહોમ્મદ તાહિર અને તેના સાથીદારો મારા પર ધર્મ પરિવર્તન કર્યુ હોવાથી રોષે ભરાયેલા હતા.શનિવારે બપોરે હું મારા બાળકો સાથે ઘરમાં હતો ત્યારે આગ લાગી હતી.આસપાસના લોકોએ અમારુ ધ્યાન દોર્યુ હતુ.હું ઘરમાંથી બાળકો સાથે ભાગ્યો ત્યારે જોયુ હતુ કે,તાહિર અને તેનો ભાઈ મારા ઘરમાં આગ લગાડી રહયા છે.એ પછી મેં પોલીસને જાણ કરી હતી.પોલીસનુ કહેવુ છે કે,દેવપ્રકાશ અને તાહિર વચ્ચે જમીનને લઈને પણ એક વિવાદ ચાલી રહ્યો છે.બીજી તરફ તાહિરે તમામ આરોપોથી ઈનકાર કર્યો છે.