સુરત ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પીવીએસ શર્માની 2.70 કરોડની મિલકતો સીઝ કરાઇ, મની લોન્ડરિંગ કેસ

292

સુરત : શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને કોર્પોરેટર પીવીએસ શર્માની રૂપિયા 2.70 કરોડની મિલકતો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા સીઝ કરવામાં આવી છે. દિવાળી પહેલાં તા. 22 ઓક્ટોબરના રોજ પીવીએસ શર્મા તથા તેના ભાગીદારોના ઘર અને ધંધાકીય સ્થળો પર સુરત આવકવેરાની ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા દરોડા કાર્યવાહી કરી હતી.આ કાર્યવાહી દરમિયાન પીવીએસ શર્માના વર્તમાનપત્ર સંકેત મીડીયા પ્રાઈવેટ લિમીટેડની ગેરરીતિઓ પણ મળી આવી હતી.તેઓ સંકેત મીડિયા નામની કંપની દ્વારા સત્યમ ટાઇમ્સ નામનું ગુજરાતી અને અંગ્રેજી છાપુ ચલાવતા હતા.તેમાં ગુજરાતી છાપાની 23 હજારથી વધુ અને અંગ્રેજી છાપાની 6 હજારથી વધુ નકલો છાપતા હોવાનું બતાવતા હતા.પરંતુ હકીકતમાં તે માંડ 200થી 600 નકલો છપાતી હતી.

નકલો છાપવામાં જે મટિરિયલ ઉપયોગમાં લેવાતું હતું તેના બોગસ બિલો બનાવીને મૂકાતા હતા.જ્યારે સરકારી અને બીજી જાહેરાતો લઇને તેમણે રૂ. 2.70 કરોડની છેતરપિંડી બહાર આવી હતી.ત્યારબાદ તેમની સામે એફઆઇઆર થઇ હતી અને ધરપકડ કરાઇ હતી.આ બધી કાર્યવાહીને લઇને તેમણે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.જોકે,ત્યારપછી આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમની મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. તા. 26 નવેમ્બરે તેમની ધરપકડ થયા પછી હવે તેમની પ્રોપર્ટી સીઝ કરવાની કાર્યવાહી કરાઇ છે. આ પ્રોપર્ટીમાં 2.46 કરોડના સ્થાવર મિલકતો છે જેમાં ફ્લેટ,દુકાન,મકાન અને પ્લોટનો સમાવેશ થાય છે.આ ઉપરાંત બાકીની રકમની ફિક્સ ડિપોઝિટ પણ સીઝ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પીવીએસ શર્મા પોતે ઇન્કમટેક્સ ઓફિસર હતા અને યુનિયનના અગ્રણી રહી ચૂકેલા છે.તેઓ ઇન્કમટેક્સ વિભાગમાંથી વોલેન્ટરી રિટાયરમેન્ટ લઇને ભાજપના જોડાયા હતા અને કોર્પોરેશનની ચૂંટણી લડી કોર્પોરેટર પણ બન્યા હતા.તેમને સુરત શહેરના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા.પરંતુ દિવાળી પહેલા તેમણે કલા મંદિર જવેલર્સ સામે એવો આરોપ લવાગ્યો હતો કે નોટબંધીના સમયે તેમણે અને બીજા કેટલાક જ્વેલર અને બિલ્ડરોએ અડધી રાત સુધી ધંધો ચાલુ રાખી કેશમાં ધંધો કરી મોટી રકમની હેરફેર કરી હતી.તેમણે આ વાત ટ્વિટર પર મૂક્યા પછી મીડિયામાં મુદ્દો ઉછળ્યો હતો. અને તે જ દિવસે તેમના ઘરે ઇન્કમટેક્સનો દરોડો પડ્યો હતો. ત્યારપછી સતત તેમની ઉપર કાર્યવાહી થઇ રહી છે.આ કાર્યવાહીની વિરુદ્ધમાં તેઓ ભૂખ હડતાળ પર પણ બેઠા હતા.ત્યારબાદ પણ સતત કાર્યવાહી ચાલુ રહેતા તેઓ હતાશ થઇ ગયા હતા અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

Share Now