
હૈદ્રાબાદ, તા.6 : આવકવેરા ખાતાએ દરોડા દરમિયાન જપ્ત કરેલી પાંચ કરોડની રોકડ રકમ 12 ટકા વ્યાજ સાથે કરદાતાને પરત ચુકવવાનો આદેશ તેલંગણા હાઇકોર્ટે કર્યો છે.કૃષિ જમીન તથા કૃષિ પેદાશોનો વ્યવસાય કરતા અને દેશભરમાં 300 કર્મચારીઓ સાથે 46 બ્રાંચ ધરાવતા વ્યવસાયી દ્વારા આવકવેરા ખાતા વિરૂધ્ધ હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતાં.કૃષિ પેદાશો,શાકભાજી,ફળ સહિતની ચીજોમાં મોટો હોલસેલ વેપાર હોવાથી કાયમ નિયમિત રીતે રોકડ રકમ હાથ પર રાખવી પડતી હોય છે અને આવકવેરા રીટર્નમાં પણ તે દર્શાવવામાં આવતી હોય છે. ધંધાકીય કામસર જ કર્મચારી વિપુલ પટેલને પાંચ કરોડની રોકડ રકમ આપવામાં આવી હતી. કર્મચારી વિપુલ પટેલ મિત્રો સાથે રોકડ રકમ લઇને જઇ રહ્યો હતો જ્યારે 23 ઓગસ્ટ 2019ના રોજ તેલંગણા પોલીસે રોકડ રકમ જપ્ત કરી હતી અને તેમના વાહનો પણ ડીટેઇન કરી લીધા હતાં.
ફરિયાદી કરદાતા દ્વારા એમ કહેવાયું હતું કે કલમ 132 હેઠળ રોકડ રકમ જપ્ત કરવાની કાર્યવાહી ગેરકાયદે હતી. કંપનીની કેશબુક તથા સરવૈયામાં મોટી રોકડ રકમ હાથ ઉપર હોવાનું દર્શાવાયું જ હતું અને તેમાંથી પાંચ કરોડ કર્મચારીને આપવામાં આવ્યા હતાં.સરકારી તંત્રની ગેરકાયદે કાર્યવાહીથી વ્યાજ સહિત નાણાં પરત આપવા તથા તંત્રને દંડ ફટકારવાની માંગ કરવામાં આવી હતી.તેલંગાણા હાઇકોર્ટની જસ્ટીસ રામચંદ્ર રાવ તથા જસ્ટીસ ટી. અમરનાથ ગૌડની ડીવીઝન બેચે ચુકાદામાં એમ જણાવ્યું હતું કે પાંચ કરોડની રોકડ જપ્ત કરવાની કાર્યવાહી ગેરકાયદે હતી અને આવકવેરા કાયદા 1961ની જોગવાઇઓ તથા બંધારણની કલમ 14 થી 300-એના ઉલ્લંઘનરૂપ છે.પંચનામા મુજબની કોઇ નવી તપાસ કાર્યવાહી નહીં કરવા તથા ચાર મહિનામાં 12 ટકા વ્યાજ સાથે જપ્ત કરેલી પાંચ કરોડની રોકડ રકમ પરત કરવાનો આદેશ કર્યો હતો.