કોરોના સંક્રમિત પતિએ મરતાં પહેલા પત્નિને લખ્યો લવ લેટર કહ્યું: તું હંમેશા ખુશ રહેજે

314

ટેકસાસ, તા.૬: કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવનારા પતિએ પત્નીને છેલ્લો લવ લેટર લખ્યો. ૧૩ ડિસેમ્બરે ટેકસાસના મેકલીન મેડિકલ સેન્ટરમાં ૪૫ વર્ષીય બિલી લોરેડોનું નિધન થઈ ગયું.પોતાના મૃત્યુના થોડા સય પહેલા જ બિલીએ પોતાની પત્ની સોન્યા કાયપૂરોસને એક પત્ર ઇમેલ કર્યો. બિલીએ પત્રમાં લખ્યું કે મરતાં પહેલા તને પોતાના દિલની વાત કહેવા માંગું છું.હું તને કહેવા માંગું છું કે મેં તારી સાથે એક શાનદાર જિંદગી પસાર કરી અને દુનિયાની કોઈ પણ કિંમતી ચીજથી તેનો સોદો નહીં કરું.હું એવું પણ ઈચ્છું છું કે તું ખુશ રહે અને મારા વગર અને કોઈ પસ્તાવા વગર પોતાનું જીવન પસાર કરજે.આપણે બંનેએ સાથે પસાર કરેલો સમય અદ્બૂત હતો.બિલીના મોટા ભાઈ પેડ્રો લોરેડોએ જણાવ્યું કે બિલીએ આ પત્ર ઓકિસજન નળી લગાવ્યા પહેલા પોતાની પત્ની સોન્યાને મોકલ્યો હતો.

બિલીના આ પત્રને તેના ભાઈએ અમેરિકાના જાણીતા કાર્યક્રમ ગુડ મોર્નિંગ અમેરિકામાં શેર કરતાં કહ્યું કે તે ક્ષણ મને અને તેને સમજમાં આવી ગઈ હતી કે આ તેનો છેલ્લો પત્ર છે.સોન્યાને મારા વ્હાલા ભાઈનો છેલ્લો પત્ર મળ્યો જેના કારણે તેને ઘેરો આઘાત લાગ્યો.લોરેડોએ કહ્યું કે, બિલી એક રોમેન્ટિક વ્યકિત હતો અને તે અનેકવાર પોતાની પત્નીને લવ લેટર મોકલતો હતો.

બિલી એક વકીલ હતો અને થોડાક વર્ષો પહેલા જ તેણે પોતાની લો ફર્મ સ્થાપી હતી.બિલીના મોટા ભાઈ પેડ્રોએ પોતાના ભાઈને યાદ કરતાં જણાવ્યું કે બિલીમાં સકારાત્મક ઉર્જા હતી.તે ખૂબ વિનમ્ર વ્યકિત હતો જે પરિવારની સાથે ખુશીઓ વહેંચવામાં માનતો હતો. તેઓએ ભાઇ અને તેની પત્નીની ખાસિયત જણાવી કે બંને સાથે જ શિકાર કરવાનું પસંદ કરતા હતા. પોતાના ભાઈને એક મહાન વ્યકિત ગણાવતાં તેઓએ કહ્યું કે તેણે તેને ઓળખતા દરેક વ્યકિતના દિલમાં પ્રેમના બીજ રોપ્યા હતા.

બિલીની તબિયત નવેમ્બર મહિનામાં બગડી હતી. તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો જેમાં પોઝિટિવ આવ્યા. થેન્કસ ગિવિંગ પર તેઓ ગંભીર રીતે બીમાર થઈ ગયા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.તમામ પ્રયાસો બાદ પણ બિલીને બચાવી શકાયા નહીં.

બિલીની પત્ની સોનિયાએ આ પત્રને વાંચીને કહ્યું કે મને લાગે છે કે જાણે મને તેમના વગર ખુશ રહેવાની અનુમતી આપી રહ્યા હોય.આંખોમાં આંસુ સાથે કાર્યક્રમમાં હાજર સોન્યાએ કહ્યું કે આ પત્ર વાંચવો ખૂબ જ મુશ્કેલ હતો પરંતુ જે રીતે મારા પતિએ મારું ધ્યાન રાખ્યું ઉપરાંત તમામનું ધ્યાન રાખ્યું છે તેનાથી મને કોઈ આશ્ચર્ય નથી કે તેમણે મને આવો પત્ર લખ્યો છે.

Share Now