નવીદિલ્હી, તા.7 : દુનિયામાં મહાશક્તિ તરીકે ઓળખાતો દેશ અમેરિકા અત્યારે મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાર માનવા માટે તૈયાર નથી.મામલો ત્યાં સુધી પહોંચી ગયો છે કે ટ્રમ્પ સમર્થકોએ અમેરિકી સંસદને બંધક બનાવી લીધી છે.આ દરમિયાન ટ્રમ્પ અને સમર્થકો તેમજ સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ પણ ચાલી રહી છે.એટલું જ નહીં ટ્રમ્પના સમર્થકોને રોકવા માટે સુરક્ષાકર્મીઓને બંદૂક કાઢવી પડી છે.આ દરમિયાન ચારેક જેટલા પ્રદર્શનકારીઓના મોત પણ નિપજ્યા છે.હવે રોયટર્સના એક રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે ટ્રમ્પે એક રેલી દરમિયાન પોતાના સમર્થકોને ઉગ્ર પ્રદર્શન કરવા માટે કહ્યું હતું.રિપોર્ટમાં જણાવાયું છે કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મળેલી હારને સ્વીકારવા માટે તૈયાર નથી.તેઓ હંમેશાથી નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઈડન વિરુદ્ધ બોલતાં રહે છે.એટલું જ નહીં ટ્રમ્પે અનેક વખત સમર્થકોને વોશિંગ્ટન ડીસીમાં રેલી માટે આમંત્રિત કર્યા હતા.
ટ્રમ્પે 20 ડિસેમ્બરે એક ટવીટ કર્યું હતું જેમાં તેણે વોશિંગ્ટન ડીસીમાં 6 જાન્યુઆરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાનો આગ્રહ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં થયેલી ગોલબાલના વિરોધમાં તમામ લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે અમેરિકી કેપિટલ બિલ્ડિંગ પર માર્ચ કરવી જોઈએ. આ દરમિયાન ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે આપણે ક્યારેય હાર માનશું નહીં.અમેરિકામાં ટ્રમ્પ સમર્થકોએ વ્હાઈટ હાઉસ અને કેપિટલમાં જોરદાર વિરોધ કર્યો હતો.ત્યારબાદ ટ્રમ્પના ટવીટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરી દેવાયા હતા.
સત્તા માટે ‘જગતનું જમાદાર’ હોમાયું હિંસાના ખપ્પરમાં…
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી સંપન્ન થયાને મહિના ઉપરનો સમય વીતી ગયા છતાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર નથી અને તેમને જાણે કે સત્તાનો મોહ જ છૂટતો ન હોય તેવી રીતે સમર્થકોને સતત ઉશ્કેરી રહ્યા છે.તેમની આ ઉશ્કેરણીના પરિણામે જ અમેરિકી સંસદને તેમના સમર્થકોએ બાનમાં લઈ લીધું છે અને ધાણીફૂટ ગોળીઓ પણ છૂટી રહી છે. ઉપરોક્ત તસવીરમાં હિંસક બનેલા સમર્થકો દ્રશ્યમાન થઈ રહ્યા છે.