ઈન્ડોનેશિયાનું વિમાન 62 મુસાફરો સાથે જાવા સમુદ્રમાં તૂટી પડયુંઃ કાટમાળ મળ્યો

302

જકાર્તા, તા. ૯ : ઈન્ડોનેશિયાનું વિમાન કુલ ૬૨ મુસાફરો સાથે જાવાના સમુદ્રમાં તૂટી પડયું હતું. બોઈંગ-૭૩૭ પ્રકારના આ વિમાનનો સંપર્ક ઉડાન ભર્યાની ચાર જ મિનિટમાં તૂટી ગયો હતો. વિમાન જકાર્તાથી નીકળ્યું હતું અને ૯૦ મિનિટની મુસાફરી પછી પોન્ટિઆક પહોંચવાનું હતું, પરંતુ એ પહેલાં જ સમુદ્રમાં ગરકાવ થઈ ગયું હતું.

ઈન્ડોનેશિયાની શ્રીવિજયા એરલાઈન્સનું વિમાન બપોરે ૨.૩૬ મિનિટે જકાર્તા એરપોર્ટેથી ઉડયું હતું. ઉડાન ભર્યાની ચાર મિનિટમાં જ વિમાન ૨.૪૦ મિનિટે તૂટી પડયું હતું.બોઈંગ-૩૭૩ પ્રકારનું આ વિમાન એક મિનિટમાં ૧૦ હજાર ફૂટ નીચે ખાબક્યું હતું. નિષ્ણાતોના મતે આટલી ઝડપથી વિમાન નીચે આવે એનો અર્થ એ થાય કે તેના એન્જિનમાં ખામી સર્જાઈ હોવાથી તે તૂટી પડયું છે.વિમાનમાં છ બાળકો સાથે કુલ ૫૬ મુસાફરો હતો. બે પાયલટ અને ચાર ક્રુ મેમ્બર્સ સહિત કુલ ૬૨ લોકો વિમાનમાં સવાર હતા. એ વિમાનનો કાટમાળ જાવાના સમુદ્રમાંથી મળ્યો હોવાનો દાવો થયો હતો. વિમાનના કાળમાળની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જોકે, તે અંગે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું ન હતું.

જકાર્તાના પરિવહન મંત્રીએ આ ઘટના અંગે દુખ વ્યક્ત કરીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હોવાનું જણાવ્યું હતું.વિમાન જકાર્તા એરપોર્ટેથી ઉડયું હતું અને ૯૦ મિનિટની ઉડાન ભર્યા પછી પોન્ટિઆક પહોંચવાનું હતું. આ ડોમેસ્ટિક ફ્લાઈટ તેની સફર પૂરી કરે તે પહેલાં જ મધદરિયે તૂટી પડયું હતું.તૂટી પડેલું વિમાન બોઈંગ-૭૩૭ હતું, પરંતુ બોઈંગ-૭૩૭ મેક્સ ન હતું એવો દાવો થઈ રહ્યો છે.બોઈંગ-૭૩૭ મેક્સ વિવાદાસ્પદ મોડેલ ગણાય છે. આ મોડેલના બે વિમાનો થોડા વર્ષોમાં તૂટી પડયા હોવાથી એ મોડેલમાં ખામી હોવાનું કહેવાય છે. જોકે, જકાર્તા નજીક તૂટી પડેલું વિમાન બોઈંગ-૭૩૭-૫૦૦ હતું.તૂટી પડેલું વિમાન ૨૬ વર્ષ જૂનું હતું. ૧૯૯૪માં અમેરિકાની કોન્ટિનેન્ટલ એરલાઈન્સે આ વિમાન ખરીદ્યું હતું.તેની પાસેથી શ્રીવિજયા એરલાઈન્સે ખરીદ્યું હતું.

… તો બધા જ મુસાફરોનો જીવ બચી ગયો હોત!

ઈન્ડોનેશિયાના ટ્રાન્સપોર્ટ મંત્રી બુડીકાર્ય સુમાડીએ જણાવ્યું હતું એ પ્રમાણે આ ફ્લાઈટ એક સમયે કેન્સલ થવાની હતી.ફ્લાઈટ નિર્ધારિત સમયે ઉડવાને બદલે એક કલાક મોડી ઉડી હતી.એરલાઈન્સ અને એરપોર્ટના વિભિન્ન કારણોસર ફ્લાઈટ મોડી થઈ હતી. એક તબક્કે ફ્લાઈટ ઉડાન ભરશે કે નહીં તે અનિશ્વિત હતું, પરંતુ એક કલાક ડીલે થયા પછી ફ્લાઈટ ઉડશે એવી જાહેરાત થઈ હતી. ૨.૩૬ મિનિટે જકાર્તાના એરપોર્ટ પરથી ફ્લાઈટે ઉડાન ભરી હતી અને તેની ચાર જ મિનિટ પછી ૨.૪૦ મિનિટે વિમાન તૂટી પડયું હતું.જાણે કાળની ઘડી આવી હોય એમ મોડું ઉડેલું વિમાન ગણતરીની મિનિટોમાં જ સમુદ્રમાં ગરકાવ થઈ ગયંું હતું.

એક વર્ષ પહેલાં યુક્રેનનું વિમાન ઈરાનમાં તૂટી પડયું હતું

યુક્રેન ઈન્ટરનેશન એરલાઈન્સનું બોઈંગ-૭૩૭-૮૦૦ વિમાન ૮મી જાન્યુઆરી-૨૦૨૦ના રોજ ઈરાનના તહેરાનમાં તૂટી પડયું હતું.ઈરાનના તહેરાનથી ક્યિવ જવા માટે નીકળેલું વિમાન ઉડાન ભર્યાની મિનિટોમાં જ ભેદી રીતે તૂટી પડયું હતું, જેમાં ૧૭૭ મુસાફરોનાં મોત થયા હતા.ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલી તંગદિલી દરમિયાન આ વિમાન ઈરાની સૈન્યએ તોડી પાડયું હોવાનો દાવો થયો હતો.ઈરાન સરકારે શરૃઆતમાં આ આરોપ નકારી દીધો હતો,પરંતુ એ પછી ભૂલથી ઈરાનિયન સૈન્યની મિસાઈલે વિમાન તોડી પાડયું હોવાનું સ્વીકાર્યું હતું.

Share Now