– તેમના સમર્થકોને કેપિટલ હિલ પર હુમલો કરવા ઉશ્કેર્યા હતા
– આ પ્રસ્તાવ રોકવા ટ્રમ્પે ઘણા ધમપછાડા માર્યા
વૉશિંગ્ટન તા.12 : વિદાય લઇ રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઇમ્પીચમેન્ટ (મહાભિયોગ કે ઠપકેા)ની દરખાસ્ત અમેરિકી પ્રતિનિધિ સભા (હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટીવ્સ) ના ડેમોક્રેટસ સાંસદોએ રજૂ કરી હતી.આ દરખાસ્ત પર આવતી કાલે મતદાન લેવામાં આવશે.તાજેતરમાં ટ્રમ્પે પોતાના હજારો સમર્થકોને સંસદ ભવન પર ચડાઇ કરવા ઉશ્કેર્યા હતા.આ હજારો સમર્થકો કેપિટલ હિલમાં ધસી ગયા હતા અને ભાંગફોડ કરી હતી. પોતે પ્રમુખપદની ચૂંટણીમાં પરાજિત થયા છે એ હકીકત ટ્રમ્પ સ્વીકારવા તૈયાર નહોતા અને સતત એવી વાતો કરતા હતા કે ચૂંટણીમાં મોટે પાયે ગોલમાલ થઇ હતી.
જો કે ટ્રમ્પ એવી કોઇ ગોલમાલ કોર્ટમાં સાબિત કરી શક્યા નહોતા.કેપિટલ હિલમાં ઇલેક્ટોરલ કૉલેજ જો બાઇડનને ઔપચારિક રીતે વિજેતા જાહેર કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત હતી ત્યારેજ ટ્રમ્પના સમર્થકો કહેવાતા હજારો લોકો ધસી આવ્યા હતા અને હિંસા આચરી હતી.એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિનાં મરણ થયાં હતાં.એથી પણ વધુ મહત્ત્વની વાત એ હતી કે સમગ્ર વિશ્વમાં અમેરિકા હાંસીપાત્ર બન્યું હતું.હવે પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટ સભ્યોએ ટ્રમ્પ સામે ઇમ્પીચમેન્ટ પ્રસ્તાવ રજૂ કર્યો હતો જ્યાં આવતી કાલે મતદાન થશે.અમેરિકામાં કદાચ ટ્રમ્પ એવા પ્રમુખ છે જેમણે બબ્બેવાર ઇમ્પીચમેન્ટ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો હોય.
દરમિયાન, રિપબ્લિકન સાંસદ એલેક્સ મૂનેએ આ પ્રસ્તાવનો વિરોધ કરતાં એવી અપીલ કરી હતી કે સંસદે આ પ્રસ્તાવનો અસ્વીકાર કરીને એને નામંજૂર કરી દેવો જોઇએ.જો કે પ્રતિનિધિ સભાના મહિલા અધ્યક્ષ નેન્સી પેલોસીએ આ પ્રસ્તાવને મૂકતાં પહેલાં ગૃહને કહ્યું હતું કે ટ્રમ્પ પ્રમુખપદે ચાલુ રહે એ અમેરિકી બંધારણ માટે જોખમી પરિસ્થિતિ ગણાય.આ પ્રસ્તાવ તેમને ઇમ્પીચ કરવા માટે રજૂ થઇ રહ્યો હતો.પેલોસીની ટીમ આજે સાંજે ઉપપ્રમુખ માઇક પેન્સ અને અમેરિકી પ્રધાન મંડળને આ પ્રસ્તાવ પર મતદાન કરવાની અપીલ કરશે.હાલ સંસદની બેઠક ચાલુ નથી એટલે આ કામમાં અવરોધ આવી શકે છે. એ પછી પેલોસી આજે પૂર્ણ સંસદ સમક્ષ આ પ્રસ્તાવ રજૂ કરશે.આ પ્રસ્તાવ મંજૂર કરીને મહાભિયોગની કામગીરી કરવા માટે માઇક પેન્સ અને પ્રધાન મંડળ પાસે 24 કલાકનો સમય હશે.
કેલિફોર્નિયાના ભૂતપૂર્વ ગવર્નર,રિપબ્લિકન નેતા અને હોલિવૂડના પોલાદી પાત્રોના અભિનેતા આલ્બર્ટ શ્વાર્ત્ઝનેગરે અમેરિકાના કેપિટલ હિલમાં ટ્રમ્પ સમર્થકોએ આચરેલી હિંસાને જર્મનીના નાઝીઓ સાથે સરખાવી હતી અને ટ્રમ્પને એક નકામા નાતે ગણાવ્યા હતા.તેમણે કહ્યું કે અમેરિકાના ઇતિહાસમાં ટ્રમ્પને કાયમ સૌથી ખરાબ પ્રમુખ તરીકે યાદ રાખવામાં આવશે. 1938માં નાઝીઓએ યહૂદીઓનાં નિવાસસ્થાનોમાં આચરેલી હિંસા જેવી હિંસા ટ્રમ્પના સમર્થકોએ કેપિટલ હિલમાં કરી હતી.દરમિયાન,ટ્રમ્પે એવી જાહેરાત કરી હતી કે 20મી જાન્યુઆરીએ જો બાઇડન દેશના પ્રમુખ તરીકે સોગન લે ત્યારે પોતે હાજરી નહીં આપે.જો કે ઉપપ્રમુખ માઇક પેન્સનાં વિધાનો જોતાં એમ લાગે છે કે પેન્સ શપથવિધિ સમારોહમાં હાજરી આપશે.