દિલ્હી : ભારતમાં કોરોના વેક્સિનેશનની તૈયારી શરૂ થઇ ગઇ છે. 16 જાન્યુઆરીથી રણીકરણની શરૂઆત થશે.મંગળવારથી પુણેની સીરમ ઇન્સ્ટીટ્યૂટે દેશના વિવિધ ભાગોમાં વેક્સિનની સપ્લાઇ શરૂ કરી દીધી છે.પુણે એરપોર્ટથી દેશનાં 13 શહેરમાં વેક્સિનનાં 478 બોક્સ પહોંચાડવામાં આવશે.પહેલી ફ્લાઈટ 34 બોક્સ સાથે દિલ્હી પહોંચી ચૂકી છે. જુદાં જુદાં શહેરોમાં આ વેક્સિન એરપોર્ટથી Z+ સિક્યોરિટી સાથે સ્ટોરેજ સેન્ટર પર લઈ જવાશે.
ઉડ્ડયનમંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે,પુણેથી એર ઇન્ડિયા,સ્પાઇસ જેટ,ગોએર અને ઈન્ડિગો એરલાઇન્સની 9 ફ્લાઇટ્સમાંથી રસીના 56.5 લાખ ડોઝ જુદાં જુદાં શહેરોમાં મોકલવામાં આવી રહ્યા છે.આ શહેરો દિલ્હી,ચેન્નઈ,કોલકાતા,ગુવાહાટી, શિલોંગ,અમદાવાદ,હૈદરાબાદ,વિજયવાડા,ભુવનેશ્વર,પટના,બેંગ્લુરુ, લખનઉ અને ચંદીગઢ છે.
એર ઇન્ડિયાએ આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, પુણેથી અમદાવાદ સુધી તે વેક્સિનની સપ્લાઇ કરી રહ્યાં છે. તેના પ્રથમ જથ્થાનું વજન 700 કિગ્રા છે.જેમાં 2.76 લાખ વેક્સિન ડોઝ સપ્લાઇ કરવામાં આવી રહ્યાં છે.તમિલનાડુ સરકાર તરફથી પણ માહિતી આપવામાં આવી કે,પુણેથી તેમનો પ્રથમ જથ્થો મંગળવારે રવાના થશે. પહેલા જથ્થામાં 5.56 લાખ વેક્સિન ડોઝ હશે. ઉપરાંત તમિલનાડુએ ભારત બાયોટેક પાસે પણ કોવેક્સીનના 20 હજાર ડોઝ મંગાવ્યા છે.
કેન્દ્ર સરકારે સોમવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને કોરોના વેક્સિનને છ કરોડથી વધુ ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો.સરકાર સૌથી પહેલા દેશના ત્રણ કરોડ ફ્રન્ટલાઈન હેલ્થવર્કર્સને કોરોનાની રસી લગાવાશે,જેની શરૂઆત 16 જાન્યુઆરીથી થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને રસીકરણ અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.