ઉત્તરપ્રદેશમાં લવ-જેહાદ સામેના કાયદાએ ભારે ચર્ચા જગાવી છે ત્યારે ગુજરાતમાં પણ ભાજપના અનેક ધારાસભ્યોએ લવ-જેહાદ સામેના કાયદાની માંગણી કરી છે.બીજી તરફ ફેબ્રુઆરીમાં યોજાનારા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ગુજરાત સરકાર પણ લવ જેહાદ સામે કાયદો લાવે તેવા સંકેત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યા છે.
અમદાવાદમાં રામ મંદિર માટે ફંડ એકત્રીકરણ માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે શા માટે આપણી સંસ્કૃતિમાં ઉછરેલાં દીકરા- દીકરીઓ બહાર જાય છે અને શા માટે વિધર્મીઓ આપણી દીકરીઓ ઉપર કુનજર નાખે છે તે વિચારવા જેવું છે.આવા કાયદાની શા માટે જરૂર પડે છે તે પણ મહત્ત્વનો મુદ્દો છે. કેટલાક સંકુચિત માનસકતાવાળા એમ વિચારતા હોય કે અમારા ધર્મ સિવાય કોઇ ધર્મ દુનિયામાં ન રહેવો જોઇએ તો તે ચાલવાનું નથી.
નીતિન પટેલે કહ્યું કે,ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ લવ જેહાદ હેઠળ કરાતા લગ્નો અટકાવવા માટે બનાવાયો છે તેવો કાયદો ગુજરાતમાં પણ લાવવા અનેક સંગઠનો અને અગ્રણીઓ તરફથી સરકારને રજૂઆત મળી છે અને અમે તેની વિચારણા શરૂ કરી છે.
નેહરુએ એક પણ મંદિર બનાવ્યું નહીં
નીતિન પટેલે કહ્યું કે રામમંદિર માટે ફંડ આપવામાં પણ ગુજરાત અનેક બાબતોની જેમ નંબર 1 રહેશે.રાજ્યનો દરેક હિન્દુ પોતાની યથાશક્તિ પ્રમાણે યોગદાન આપી શકે છે. જવાહરલાલ નેહરુ સામે પ્રહાર કરતા નીતિન પટેલે કહ્યું કે નેહરુએ બિન સાંપ્રદાયિકતાના નામે એક પણ મંદિર બનાવ્યું નહીં જેથી તેઓ ભૂંસાઇ રહ્યા છે.તેમને કોઇ યાદ કરતું નથી.જ્યારે સરદાર વલ્લભભાઇ પટેલ સોમનાથ મંદિરની સાથે જ અમર થઇ ગયા.