ફેશનના શહેર મિલાનને ટક્કર આપે તેવી પ્રોડક્ટ આપશે ભારતીય ફેશન,ગારમેન્ટ સેકટર:રસીકરણ થતા મસમોટી બ્રાન્ડસના ઓર્ડર મળવા લાગ્યા
ફેશનની દ્રષ્ટિએ પેરિસ સૌથી પ્રખ્યાત શહેર હોઈ શકે છે,પરંતુ એક એવું શહેર પણ છે જ્યાં લોકોમાં ફેશન નહીં પરંતુ શહેર જ ફેશનનું છે.આ શહેર મિલાન છે.વિશ્વના સૌથી સુંદર અને ફેશનેબલ શહેર મિલાનમાં ફેશન દિવસના ધોરણે નહીં,કલાકના ધોરણે બદલાઈ જાય છે.આવા શહેરને ટક્કર આપવા ભારતનો ફેશન ઉદ્યોગ સજ્જ થઇ ચૂક્યો છે.ભારતીય ગારમેન્ટ સેકટર હવે અમેરિકા,યુ.કે જાપાન સહિતના દેશોને ભારતીય ફેશન અને ટ્રેન્ડનો ચસકો લગાડશે.
ભારતીય ગારમેન્ટ એક્સપોર્ટમાં કોરોના મહામારીએ મુશ્કેલીઓ સર્જી હતી પરંતુ રસીકરણ શરૂ થઇ જતા હવે ફરીથી ઓર્ડર મળવા લાગ્યા છે.ઝારા,એચએન્ડએમ અને પ્રિમરક જેવી બ્રાન્ડ દ્વારા ઓર્ડર અપાયા છે.ઉનાળાને ધ્યાને લઇ નવી ફેશન બજારમાં આવશે, જેમાં ભારતીય ગારમેન્ટ સેક્ટરનો મહત્વનો ભાગ રહેશે.આગામી કેટલાક અઠવાડિયામાં જ યુરોપિયન તથા નોર્થ અમેરિકન દેશોની બજાર ફરી ધમધમવા લાગશે.આ બજારોને ભારત મોટા પ્રમાણમાં કાપડની નિકાસ કરશે.
ભૂતકાળમાં ભારત ભૂખ અને ગરીબીમાં સપડાયેલો દેશ ગણાતો હતો પરંતુ વર્તમાન સમયે ભારત અનેક સેક્ટરમાં વિશ્વને રાહ ચીંધી રહ્યો છે.હરીફાઈમાં ભારત ઉદ્યોગોએ કાઠું કાઢ્યું છે.આવી સ્થિતિમાં ભારતીય ફેશન જગત પણ કોઈ કચાશ રાખવા તૈયાર નથી. નિકાસ વધે તે માટેના પગલાં લેવાઇ રહ્યાં છે,ભારતીય પહેરવેશનું ઘેલુ વિશ્વને લાગે તે માટે પણ પ્રયત્નો થયા છે.
આજે મસમોટી ફેશન બ્રાન્ડ પોતાની પ્રોડક્ટ ભારતમાં તૈયાર કરાવે છે.ભારતીય ફેશન ડિઝાઈનરો વિશ્વના ટોચના ફેશન ડિઝાઈનરોમાં શામિલ છે.હવે કોરોના મહામારી બાદ રસીકરણ શરૂ થતાં વૈશ્વિક બજારો ફરીથી ઉપડશે તેવી આશાઓ વચ્ચે ઓર્ડર મળવા લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે,વર્ષ ૨૦૧૯ માં ભારતીય કાપડ અને અપીરલનું બજાર ૧.૯ ટ્રિલિયન ડોલરનું હતું.જે ૨૦૩૦માં વધીને ૩.૩ ટ્રિલિયન ડોલરએ પહોંચી જશે તેવી અપેક્ષા છે. વિશ્વના અપીરલ માર્કેટમાં યુરોપ અને અમેરિકાનો સંયુક્ત ફાળો ૩૦ ટકાનો છે.જોકે, હવે ભારતીય પહેરવેશ આ દેશો માટેના નાગરિકોને માફક આવી રહ્યા છે.ની લેંધ,ટી શર્ટ, પોલો જેવી પ્રોડક્ટ ભારતમાં બને જ છે પરંતુ હવે ભારતીય પરંપરાગત પોશાક પણ વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવી રહ્યો છે.