૪૪૭ લોકોને થઈ વૅક્સિનની સાઇડ ઇફેક્ટ, ૩ હૉસ્પિટલમાં

364

બે દિવસના કોરોના રસીકરણ દરમ્યાન કુલ ૨,૨૪,૩૦૧ લોકોને રસી આપવામાં આવી હતી, જે પૈકી ૪૪૭ લોકોએ આડઅસરની ફરિયાદ કરી હતી અને એમાંના ત્રણ જણને હૉસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા એમ ગઈ કાલે યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું. ગઈ કાલે ૬ રાજ્યોમાં કુલ ૧૭,૦૭૨ લોકોને રસી આપવામાં આવી હતી.પહેલા દિવસે કુલ ૨,૦૭,૨૨૯ લોકોને રસી આપવામાં આવી હતી, જે સમગ્ર દુનિયામાં રસીકરણના પહેલા દિવસે આપવામા આવેલી સૌથી વધુ રસી હતી.અમેરિકા, બ્રિટન તેમ જ ફ્રાન્સમાં પણ પહેલા દિવસે આટલા લોકોને રસી અપાઈ નહોતી.

કેટલાક લોકોમાં આ રસીકરણની સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી રહી છે.દિલ્હીમાં વૅક્સિન લગાવ્યા બાદ બાવન લોકોમાં તેની સાઇડ ઇફેક્ટ જોવા મળી હતી. રસી લગાવ્યા પછી આ લોકોની તબિયત ખરાબ થઈ હોવાની ખબર સામે આવી,જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે. ૧૬ જાન્યુઆરી શનિવારના રોજથી લોકોને કોરોના વાઇરસના સંક્રમણથી બચાવવા માટે દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. પહેલા દિવસે સફાઈ કર્મચારીઓ અને સ્વાસ્થ્ય કર્મચારીઓને વૅક્સિન આપવામાં આવી હતી,જેમાં બે સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી અપાયા પછી એલર્જીની ફરિયાદ સામે આવી.કેટલાંક સ્થળોએ વૅક્સિન અપાયા પછી સામાન્ય ફરિયાદો પણ સામે આવી. કેટલાકને ગભરામણની સમસ્યા પણ ઊભી થઈ, ત્યારે આ પૈકીના એક કર્મચારીને વૅક્સિન અપાયા પછી તબિયત વધુ ખરાબ થતાં એઈએફઆઇ સેન્ટર મોકલવાની નોબત આવી હતી.

ભારત કોરોનામુક્ત થાય એવી ઇચ્છા વ્યક્ત કરી અમિતાભ બચ્ચને

અમિતાભ બચ્ચને એવી ઇચ્છા વ્યક્ત કરી છે કે આપણો દેશ કોરોનાના આતંકી વાઇરસથી મુક્ત થઈ જાય.આપણા દેશમાં કોરોના વૅક્સિન લગાવવાની શરૂઆત થઈ ચૂકી છે.કોરોનાનો સંપૂર્ણપણે ખાતમો થાય એવી સૌની ઇચ્છા છે. 2014માં આપણો દેશ પોલિયોમુક્ત થયો છે.અમિતાભ બચ્ચને ટીબી ફ્રી ઇન્ડિયા અને ક્લીન ઇન્ડિયા જેવા કેટલાંય અભિયાનને સપોર્ટ કર્યો છે.કોરોનાને લઈને ટ્વિટર પર અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘ભારત પોલિયોમુક્ત થયો એ આપણા સૌ માટે ગર્વની ક્ષણ હતી.સાથે જ ભારતમાંથી કોરોના પણ નેસ્તનાબૂદ થાય તો એ પણ આપણા માટે ગૌરવની ક્ષણ રહેશે.’

Share Now