નવી દિલ્હી તા.19 : ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન (NBA) એ એવી માગણી કરી હતી કે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશનના સભ્યપદેથી રિપબ્લિક ટીવી ચેનલનું સભ્યપદ રદ કરો.છેલ્લા થોડા દિવસથી રિપબ્લિક ટીવીના ચીફ એડિટર અર્ણબ ગોસ્વામી અને BARCના ભૂતપૂર્વ વડા પાર્થો દાસગુપ્તા વચ્ચે થયેલી વ્હૉટ્સ એપની વાતચીતે સનસનાટી મચાવી દીધી હતી.આ વ્હૉટ્સ એપ ચેટમાં કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય મુદ્દાનો પણ સમાવેશ થયો હતો.મુંબઇ પોલીસ વિવિધ ટીવી ચેનલ્સ દ્વારા ટીઆરપી વધારવા માટે કરાતા કાવાદાવાની તપાસ કરી રહી હતી.
અર્ણબ ગોસ્વામીની ધરપકડ સુદ્ધાં થઇ હતી.મુંબઇ હાઇકોર્ટે રિપબ્લિક ટીવી સહિત વિવિધ ન્યૂઝ ચેનલ્સની ઝાટકણી કાઢી હતી.ટીઆરપી વધારવા માટે આ ચેનલ્સ દ્વારા જે કાવાદાવા કરાય છે એની ટીકા હાઇકોર્ટે કરી હતી.હવે નેશનલ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન (NBA) દ્વારા એવી માગણી કરવામાં આવી હતી કે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફેડરેશનના સભ્યપદેથી રિપબ્લિક ટીવીનું સભ્યપદ રદ કરી નાખવું જોઇએ. રિપબ્લિક ટીવીએ પાર્થો દાસગુપ્તા સાથે કરેલી વાતચીત સાબિત કરે છે કે રિપબ્લિક ટીવીએ છેલ્લા ઘણા મહિનાથી ખોટી રીતે અને કાવાદાવા દ્વારા રેટિંગમાં હેરફેર કરીને પોતાના દર્શકો વધુ હોવાના દાવા કર્યા હતા.બીજી ચેનલ્સના દર્શકો ઓછા હોય એવો પ્રચાર પણ રિપબ્લિક ટીવીએ કર્યો હતો. એનબીએએ કહ્યું કે વ્હૉટ્સ એપ ચેટ માત્ર રેટિંગના ફેરફાર પૂરતી મર્યાદિત નથી રહી.એમાં દેશના કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ અને કેન્દ્ર સરકારની કામગીરીમાં હસ્તક્ષેપ જેવી પ્રવૃત્તિ પણ કરાઇ હતી.એ સંજોગોમાં છેલ્લા ચાર વર્ષથી એનબીએ દ્વારા કરાયેલા આક્ષેપો પુરવાર થાય છે કે બાર્કના સભ્ય અને રિપબ્લિક ટીવી વચ્ચે ગેરકાયદે સંબંધ હતા અને એ પોતાના દર્શકોની સંખ્યા અન્યો કરતાં વધુ હોવાનું પુરવાર કરવા અસામાજિક પ્રવૃત્તિ જેવા ખોટાં કાર્યોમાં વ્યસ્ત હતી.