વાંસદા તાલુકા સેવા સદનમાં મહત્વના પદ પર ઇન્ચાર્જથી ગાડું ગબડાવાતા લોકોને ભારે હાલાકી

279

– મામલતદાર અને આયોજન અધિકારીની જગ્યા ખાલી

નવસારી : નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના તાલુકા સેવા સદનમાં મામલતદાર અને તાલુકા પંચાયતમાં આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીઓની નિમણૂંક નહીં કરી છેલ્લા ઘણાં સમયથી ઇનચાર્જ મામલતદાર અને આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીઓથી ગાડાં ગબડાવી રહ્યા છે.જેને લઈ કચેરીમાં કામે દુર-દુરથી આવતા અરજદારોના કામ નહીં થતા વિલે મોંઢે પરત ફરવું પડે છે.અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર હોય આ વિસ્તારની અવગણા કરવામાં આવી રહી છે. સ્થાનિક ભાજપના નેતાઓ માત્ર અરજદારો પાસે મત માંગવા સિવાય લોકોની સમસ્યા તરફ ધ્યાન આપતા નથી એવુ સ્થાનિકોનું કહેવું છે.

વાંસદા તાલુકામાં છેલ્લાં ઘણા સમયથી તાલુકા વિકાસ અધિકારીની મહત્ત્વની જગ્યા તેમજ મામલતદારની ખાલી પડેલી જગ્યા પર કાયમી અધિકારીઓની નિમણૂંક ન કરાતા તાલુકાની પ્રજામાં રોષની લાગણી ફેલાઈ છે.એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે.જ્યારે લોકોની માંગ ઉઠી છે કે લોકોના મહત્ત્વના કામો કરવા કાયમી અધિકારીઓની નિમણૂંક કરી અટવાતા લોકોની સમસ્યા અને તાલુકાના વિકાસના કામો અટવાઈ રહ્યા છે જેને દૂર કરી લોકોની પડખે ઉભા રહેવાની માંગ ઉઠી છે.

આ ઈનચાર્જ અધિકારીઓ સપ્તાહમાં એકાદ બે દિવસ તાલુકાની મુલાકાત લઈ રવાના થઈ જતાં હોવાની બુમરાણ ઉઠી છે.જેને લઈ અધિકારીઓની રાહ જોતા લોકો કલાકો સુધી ઓફિસ આગળ બેસી રહે છે અને અંતે અધિકારી ન મળતા ધક્કા ખાઇને પરત ફરવું પડે છે.વાંસદા તાલુકાનો વિસ્તાર આદિવાસી વિસ્તાર છે અને આ વિસ્તાર અંતરિયાળ હોવાથી ઝાડી-જંગલથી છવાયેલો છે અને જ્યાં પરિવહન માટે સમયે વાહનો મળતાં નથી.બસસેવા ચાલુ રખાવવા પણ સંઘર્ષ કરવો પડે છે.લોકો મોટાભાગે ખેતી કે મજૂરી કરતા હોવાથી એક પૂરા દિવસનું કામ છોડીને આવવું પડે છે પરંતુ ઈનચાર્જ અધિકારીઓ દ્વારા કામ ન થતા નિરાશ થઈ પરત ફરવાનો વારો આવે છે.

Share Now