ચીખલી મજીગામ કેનાલનું નવિનીકરણ કરાયું પણ કોંક્રિટની સપાટીમાં ઠેરઠેર તિરાડ

385

– ગુણવત્તાહીન કામથી સરકારના લાખો રૂપિયા પાણીમાં જવાની શક્યતા

મજીગામમાં કેનાલના નવિનીકરણના કામમાં નકરી વેઠ ઉતારાતા અને તકલાદી કામ કરતા કોંક્રિટની સપાટીમાં ઠેર ઠેર તિરાડ પડી ગઈ છે.ચીખલી અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવેલ દેસાડ માઇનોરની વિવિધ શાખા નહેરોમાં ત્રણ કિલોમીટર જેટલી લંબાઈમાં લાખોના ખર્ચે નહેરની સપાટીને કોંક્રિટવાળી પાકી બનાવવાનું કામ હાથ ધરાયુ છે.જેમાં મજીગામમાંથી પસાર થતી કેનાલના નવિનીકરણમાં પણ વેઠ ઉતારવામાં આવી રહી છે.

લાખોના કામમાં જવાબદાર ઇજનેરોના પૂરતા સુપર વિઝનના અભાવ વચ્ચે નહેર કારકુન પર જ સુપરવિઝન છોડી દેવાયું હોય તેમ લાગી રહ્યું છે.કોંક્રિટમાં પૂરતી સિમેન્ટના પ્રમાણનો અભાવ અને ગુણવત્તાહીન રેતીના ઉપયોગને પગલે કોંક્રિટની ગુણવત્તા પણ જળવાતી નથી.કેનાલ બેડમાં અને દિવાલની તાજેતરમાં જ કરવામાં આવેલી કોંક્રિટની સપાટીમાં ઠેરઠેર કપચીઓ બહાર દેખાઈ રહી છે.

આ પ્રકારના ગુણવત્તાહીન કામને પગલે સરકારના લાખો રૂપિયા પાણીમાં જવાની શક્યતા જણાઈ રહી છે.મજીગામમાંથી પસાર થતી કેનાલના કામમાં ગુણવત્તા અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની પણ સ્થાનિક આગેવાન દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.

ભારે વાહન પસાર થતા તિરાડ પડી હોય તેમ લાગે છે

નહેરની કોંક્રિટવાળી સપાટી એમ-15 કોંક્રિટ હોય કપચી દેખાતી હોય છે અને વજનવાળા વાહન પસાર થતા કોંક્રિટની સપાટીમાં તિરાડ પડી હોય તેમ લાગે છે.માટીવાળી રેતી એકાદ ટ્રક આવી હશે. > જીજ્ઞેશભાઈ, નાકાઈ, અંબિકા સબ ડિવિઝન

ખરાબ કામ થયું હશે તો બીલ અટકાવાશે

અમારા ડેપ્યુટી એન્જિનિયર અને એસઓને સ્થળ પર મોકલાવું છું. ખરાબ કામ થયું હશે તેને તોડાવી નાંખી બીલ પણ અટકાવી દેવામાં આવશે. > રાજેન્દ્રભાઈ રાઠોડ, કાર્યપાલક ઈજનેર, અંબિકા ડિવિઝન

Share Now